‘જો આરોપીને જામીન અપાશે તો...’ સ્વાતિ માલીવાલે કોર્ટમાં બિભવ-કેજરીવાલ અને AAP પર કર્યા ગંભીર આક્ષેપ
Swati Maliwal Case : દિલ્હીની તીસ હજારી કોર્ટમાં આજે આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ સાથે કથિત મારપીટ કરવાના કેસની સુનાવણી હાથ ધરાઈ હતી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએમ બિભવ કુમાર જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી, જોકે એડિશનલ સેશન જજ અનુજ ત્યાગીએ બિભવને રાહત આપવાનો ઈન્કાર કરી જામીન ફગાવી દીધા છે. સુનાવણી દરમિયાન માલીવાલે બિભવ, અરવિંદ કેજરીવાલ અને AAP પર ગંભીર આક્ષેપો કર્યા છે.
માલીવાલે બિભવના જામીનનો વિરોધ કર્યો
માલીવાલે કોર્ટમાં બિભવની જામીનનો વિરોધ કરી કહ્યું કે, જો આરોપીને જામીન મળશે તો મારા માટે ખતરો ઉભો થશે. તેમણે આપ પર ગંભીર આક્ષેપ કરી કહ્યું કે, મારા વિરુદ્ધ ટ્રોલ મશીન લગાવવામાં આવી છે, જેમાં તેઓએ હવા ભરી નાખી છે. મેં ફરિયાદ નોંધાવ્યા બાદ પાર્ટીએ મને ભાજપની એજન્ટ કહી છે. તેમણે મુખ્યમંત્રી કેજરીવાલ પર આક્ષેપ કરતા કહ્યું કે, તેઓ આરોપીને સાથે લઈને ફરી રહ્યા છે.
‘તે મારા અને મારા પરિવાર માટે ખતરો બની શકે છે’
માલીવાલે કોર્ટમાં કહ્યું કે, ‘જ્યારે મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી તો આમ આદમી પાર્ટીના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે મને ભાજપની એજન્ટ કહી હતી. તેમની પાસે એક મોટી ટ્રોલ મશીન છે, જેમાં તેઓએ હવા ભરી દીધી છે. પાર્ટીના નેતા આરોપીને મુંબઈ લઈ ગયા હતા. જો આરોપીને જામીન મળી જશે તો તે મારા અને મારા પરિવાર માટે ખતરો બની શકે છે. તેઓ સાધારણ વ્યક્તિ નથી. તેને મંત્રીઓવાળી સુવિધાઓ મળે છે.’
કોર્ટમાં રડી પડી માલીવાલ
આ પહેલા બિભવના વરિષ્ઠ વકીલ એન.હરિહરણે સ્વાતિ માલીવાલના દાવાઓ પર ઘણા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘માલીવાલ એપોઈન્ટવગર મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી હતી. તેમણે પ્રશ્ન કર્યો કે, તેમણે (માલીવાલ) ફરિયાદ નોંધાવવામાં મોડું કેમ કર્યું. તેમના મુખ્ય અંગે પર કોઈપણ ઈજાના નિશાન નથી અને જાણીજોઈને પણ પોતાને ઈજા પહોંચી શકાય છે.’ જ્યારે બિભવના વકીલ કોર્ટમાં દલીલ કરી રહ્યા હતા, ત્યારે કોર્ટરૂમમાં ઉપસ્થિત માલીવાલ રડી પડી હતી.
ઘટના શું હતી ?
ઉલ્લેખનીય છે કે, સ્વાતિ માલીવાલે બિભવ કુમાર પર 13 મેના રોજ મુખ્યમંત્રી હાઉસમાં તેની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. સ્વાતિની ફરિયાદ પર, દિલ્હી પોલીસે (Delhi Police) ગુરુવારે આ સંબંધમાં આરોપી બિભવ કુમાર વિરુદ્ધ નામની એફઆઈઆર નોંધી હતી. ત્યારથી દિલ્હી પોલીસની ઘણી ટીમો બિભવ કુમારને શોધી રહી હતી. AAPના રાજ્યસભા સાંસદ દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં બિભવ કુમાર પર ઘણા ગંભીર અને સનસનાટીભર્યા આરોપો લગાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની એફઆઈઆર મુજબ, બિભવ કુમારે કથિત રીતે સ્વાતિ માલીવાલને ઘણી વખત લાત અને થપ્પડ મારી હતી. સ્વાતિ માલીવાલે બિભવ પર જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ પણ લગાવ્યો છે, ત્યારબાદ બિભવ કુમારની ધરપકડ કરવામાં આવી હતી.
સ્વાતિ માલીવાલના આરોપ
આમ આદમી પાર્ટીની સાંસદ સ્વાતિ માલીવાલના દાવા મુજબ મુખ્યમંત્રી આવાસમાં હાજર બિભવ કુમાર તેમની તરફ જોરજોરથી બોલતા આવ્યા હતા અને તેમણે ધમકી આપવાની સાથે અપશબ્દો પણ બોલ્યા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, બિભવે તેમના પર ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો હતો અને તેમનું માથું સેન્ટર ટેબલ પર પછાડ્યું હતું.