‘માત્ર ત્રણ કલાક ED-CBI સોંપી દો, તમામને જેલમાં ધકેલી દઈશ’ રાજ્યસભામાં સંજય સિંહના પ્રહાર
Parliament Session : રાજ્યસભામાં આજે (12 ડિસેમ્બર) બંધારણની ચર્ચા દરમિયાન ભારે હોબાળો થયો છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રાજ્યસભામાં દિલ્હીની ચૂંટણી પહેલા મતદાર યાદીમાંથી નામ કપાઈ જવાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તુગલકાબાદના બૂથ પરથી અનેક મતદારોના નામ કાપ્યા છે.’ આ આક્ષેપ પર ઉપાધ્યક્ષ હરિવંશે આક્ષેપોને પ્રમાણિત કરવા કહ્યું, તો તેમણે કહ્યું કે, હું આ મુદ્દાને પ્રાણિત કરીને રહીશ. બીજીતરફ ભાજપના ગૃહ નેતા જે.પી.નડ્ડાએ પણ સંજય સિંહના આક્ષેપોનો જવાબ આપ્યો છે.
જે.પી.નડ્ડા પર ભડક્યા સંજય સિંહ
નડ્ડાએ કહ્યું કે, ‘સંજય સિંહે મતદાર યાદીમાંથી નામ કાપવાનો જે મુદ્દો ઉઠાવ્યો છે, તેની જોગવાઈ પણ તે જ બંધારણમાં છે, જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ.’ તેમણે કહ્યું કે, ‘મતદાર યાદીમાં જોવાનું એ છે કે, જેઓના નામ કપાયા છે, તેઓ બાંગ્લાદેશી-રોહિંગ્યાઓ તો નથી.’
નડ્ડાના જવાબ પર સંજય સિંહે રામ સિંહ સહિત અનેક મતદારોના નામ વાંચ્યા અને કહ્યું કે, ‘તમે પૂર્વાંચલના ભાઈઓને રોહિંગ્યા-બાંગ્લાદેશી કહેવાની હિંમત કેવી રીતે કરી. પૂર્વાંચલના ભાઈઓ મહેતન કરી પસીનો વહાવે છે. પૂર્વાંચલના લોકો તમારી જામીનગીરી જપ્ત કરાવશે. તેઓ (ભાજપ) ચૂંટણીમાં ગોટાળો કરીને જીતવા માંગે છે. તમારી આ ચાલ દિલ્હીમાં નહીં ચાલે. તમે ચૂંટણીમાં ગોટાળો કરશો તો બંધારણ કેવી રીતે બચશે’
‘શું તમે ઘાસ કાપવા ગયા હતા?’
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે વધુમાં કહ્યું કે, ‘બાંગ્લાદેશી ઘૂસણખોરો અને રોહિંગ્યાઓની વાત થઈ રહી છે, જોકે છેલ્લા 10 વર્ષથી કોની સરકાર છે. શું અહીં ટ્રમ્પની સરકાર છે, શું ઓબામાની સરકાર છે. અહીં 10 વર્ષથી મહામાનવની સરકાર છે. હું પૂછવા માંગું છું કે, સરહદ પર સુરક્ષાની જવાબદારી કોની છે. બાંગ્લાદેશની સરહદ ત્રિપુરા, આસામ અને બંગાળને અડીને આવી છે. બાંગ્લાદેશીઓ ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ પાર કરીને દિલ્હીમાં કેવી રીતે આવે? શું તમે ઘાસ કાપવા ગયા હતા?
આ પણ વાંચો : વન નેશન, વન ઈલેક્શન બિલ મુદ્દે વ્હિપ પછીયે 20 સાંસદ ગેરહાજર, ભાજપ નોટિસ ફટકારશે
સંજય સિંહે અદાણી પર સાધ્યું નિશાન
તેમણે કહ્યું કે, ‘10 વર્ષમાં 10 બાંગ્લાદેશી ઘૂસણખોરોને દિલ્હીમાંથી ભગાડ્યા હોય તો નામ બતાવો. તમે રાજકારણ કેમ રમી રહ્યા છો. અદાણી બાંગ્લાદેશમાં વીજળી સપ્લાય કરે છે. ભારતની વીજળી ચોરી કરીને બાંગ્લાદેશીઓના ઘર રોશન કરે છે અને તમે અમને જ્ઞાન આપી રહ્યા છો. અદાણી ઝારખંડમાંથી વીજળી ચોરી કરીને બાંગ્લાદેશન પહોંચાડે છે. આ બેવડી નીતિ નહીં ચાલે. એકતરફ તમારા લોકો કતારના શેખો સાથે બિઝનેસ કરી રહ્યા છે અને તમે અહીં મુસ્લિમો વિરુદ્ધ હિંસાની વાત કરો છો.’
‘દિલ્હીમાં ચૂંટણી આવી રહી છે, તેથી તમે શાંતિથી આવજો’
તેમણે કહ્યું કે, ‘દિલ્હીમાં ચૂંટણી આવી રહી છે, તેથી તમે શાંતિથી આવજો. જો તમે અહીં ગંદુ રાજકારણ રમ્યું અને હિન્દુ-મુસ્લિમનો મુદ્દો ઉછાળ્યો તો અમે દિલ્હીવાસીઓ શિખવાડી દીધું છે કે, તમે સ્કૂલ-હોસ્પિટલ બોલજો. તમે અહીં તાનાશાહી-દાદાગીરી ન કરતા. તમે ત્રણ વખતથી હારી રહ્યા છો, તેથી તમે વિચારી રહ્યો છો કે, મતદાર યાદીમાં ગોટાળો કરાવી દઈશું. આવું કરવાથી તમારું કામ નહીં થાય. આ દેશ બાબા સાહેબના બંધારણ પર ચાલશે, કોઈના ફરમાનથી નહીં. સંજય સિંહના ભાષણ વખતે સંસદમાં હોબાળો થયો હતો. આ દરમિયાન કોઈએ તિજોરી વેંચી જેલમાં ધકેલાયા અંગે ટિપ્પણી કરતા સંજય સિંહ ભડક્યા હતા. તેમણે કહ્યું કે, ‘અમને આવી ધમકીઓ ન આપો. જે દિવસે સત્તા પરિવર્તન થશે, ત્યારે એકપણ વ્યક્તિ બહાર નહીં દેખાય. માત્ર ત્રણ કલાક માટે ઈડી-સીબીઆઈ આપી દો, તમામને જેલમાં ધકેલી દઈશું.