આપ સાંસદ સંજય સિંહને ચૂંટણી પહેલા મોટી રાહત, લિકર કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
Money Laundering Case : આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે તેમને જામીન આપ્યા છે. ઈડીએ જામીનનો વિરોધ ન કર્યો. તેઓ દિલ્હી લિકર પોલિસીથી સંબંધિત કૌભાંડ કેસમાં 6 મહિનાથી જેલમાં હતા. હવે તેઓ જેલથી બહાર આવશે. મોડી સાંજે અથવા કાલે સવારે જેલમુક્તિ થઈ શકે છે. રાજકીય ગતિવિધિઓમાં હવે તેઓ ભાગ લઈ શકશે. સંજયસિંહના માતાએ કહ્યું કે, મારો દીકરો નિર્દોષ ઘરે આવશે.
સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ પીબી વરાલેની બેન્ચ મામલે સુનાવણી કરી રહી હતી. બેન્ચે ઈડીને પૂછ્યું હતું કે, સંજય સિંહને હજુ પણ જેલમાં રાખવાની જરૂર શું છે? કોર્ટને સંજય સિંહના વકીલને જણાવ્યું હતું કે મની લોન્ડ્રિંગની પુષ્ટિ નથી થઈ અને મની ટ્રેલની પણ હજુ ખબર નથી પડી. તેમ છતા સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે.
સુપ્રીમ કોર્ટે મની લોન્ડ્રિંગ મામલે પોતાની ધરપકડ અને રિમાન્ડને પડકારનારી સંજય સિંહની અરજી પણ સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટ બેન્ચે આપ સાંસદના વકીલની દલીલ પર માન્યું કે સંજય સિંહ પાસેથી કોઈ પૈસા મળી આવ્યા નથી અને તેના પર બે કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપોની તપાસ કરાઈ શકાય છે.
ઈડીએ સંજય સિંહની ગત 4 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. હાઈકોર્ટમાં ઈડીએ આપ સાંસદની જામીન અરજી પર વિરોધ કર્યો હતો. સંજય સિંહે એ આધાર પર જામીન માગ્યા હતા કે તેઓ ત્રણ મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં છે અને આ ગુનામાં મારી કોઈ ભૂમિકા નથી. હાઈકોર્ટમાં તપાસ એજન્સીએ જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે સંજય સિંહ 2021-22ની પોલિસી પીરિયડથી સંબંધિત દિલ્હી લિકર પોલિસીથી વસૂલાયેલા ફંડને રાખવા, છૂપાવવા અને ઉપયોગ કરવામાં સામેલ હતા. જોકે, સુપ્રીમ કોર્ટમાં એજન્સીએ તેમના જામીનનો વિરોધ ન કર્યો.