AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટી રાહત, 115 દિવસ બાદ રાજ્યસભાનું સભ્યપદ પુન:સ્થાપિત
Image Source: Twitter
- AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને 11 ઓગસ્ટ 2023 ના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
નવી દિલ્હી, તા. 04 ડિસેમ્બર 2023, સોમવાર
રાજ્યસભામાંથી આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાનું સસ્પેન્શન ખતમ થઈ ગયું છે. રાઘવ ચઢ્ઢાને 11 ઓગસ્ટે ઉપલા ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. AAP સાંસદે આ અંગે સુપ્રીમ કોર્ટનો સંપર્ક પણ કર્યો હતો. આના પર પ્રતિક્રિયા આપતા AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે 11 ઓગસ્ટે મને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. મારું સસ્પેન્શન રદ કરાવવા હું સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે આની નોંધ લીધી અને હવે 115 દિવસ બાદ મારું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે.
#WATCH | AAP MP Raghav Chadha says "On 11th August, I was suspended from the Rajya Sabha. I went to the Supreme Court for the revocation of my suspension. Supreme Court took cognizance of this and now my suspension has been revoked after 115 days...I am happy that my suspension… https://t.co/y3Lx9d8tdH pic.twitter.com/QPMf8iKSyD
— ANI (@ANI) December 4, 2023
વીડિયો મેસેજ જારી કરી ખુશી વ્યક્ત કરી
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, મને ખુશી છે કે, મારું સસ્પેન્શન પાછું ખેંચી લેવામાં આવ્યું છે અને હું સુપ્રીમ કોર્ટ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડનો આભાર માનું છું. એક વીડિયો મેસેજમાં AAP સાંસદે કહ્યું કે, 115 દિવસ સુધી હું સંસદમાં તમારો અવાજ ન ઉઠાવી શક્યો. હું 115 દિવસ સુધી તમારા સવાલો સરકારને પૂછી ન શક્યો. આગળ તેમણે ખુશી વ્યક્ત કરી કે ભલે આટલા દિવસો બાદ પણ આજે મારું સસ્પેન્શન સમાપ્ત તો થયું. વીડિયોમાં તેણે લોકોને મળેલા સમર્થન માટે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો.
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને 11 ઓગસ્ટ 2023 ના રોજ અનુશાસનહીનતાના આરોપમાં રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગૃહના કેટલાક સાંસદોએ ચઢ્ઢા પર તેમની સંમતિ વિના ઠરાવમાં તેમનું નામ ઉમેરવાનો આરોપ લગાવ્યો હતો. આક્ષેપો કરનારાઓમાં મોટાભાગના સત્તાધારી ભાજપના સભ્યો હતા.