દિલ્હી વિધાનસભામાં CAGના બે રિપોર્ટ રજૂ, AAPના 21 ધારાસભ્યો ત્રણ દિવસ માટે સસ્પેન્ડ
Delhi Assembly House Adjourned: દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 12 ધારાસભ્યને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ CAGનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં આજે CAGના 14માંથી બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતાં. આ રિપોર્ટમાં લીકર પોલિસી અને શીશમહેલ કૌભાંડ સંબંધિત માહિતી રજૂ થઈ છે. બીજી બાજુ વિપક્ષે આ રજૂઆત દરમિયાન હોબાળો ચાલુ જ રાખતાં વિધાનસભાના સ્પીકર વિજેન્દર ગુપ્તાએ આમ આદમી પાર્ટીના કુલ 21 ધારાસભ્યોને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી પણ સામેલ છે. AAPના ધારાસભ્યોએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના સંબોધન દરમિયાન સુત્રોચ્ચાર કર્યા હતાં.
વિધાનસભાના સ્પીકરે પૂર્વ મુખ્યમંત્રી આતિશી, ગોપાલ રાય, વીર સિંહ ધિંગાન, મુકેશ અહલાવત, ચૌધરી ઝુબૈર અહમદ, અનિલ જ્હાં, વિષેશ રવિ અને જર્નેલ સિંહને સસ્પેન્ડ કર્યા હતાં. AAP એ વિરોધ નોંધાવ્યો હતો કે, નવી ભાજપ સરકારે પોતાના કાર્યાલયોમાંથી બીઆર આંબેડકરની તસવીરો હટાવી PM મોદીની તસવીર લગાવી છે.
લીકર પોલિસી બદલવાથી 2002 કરોડથી વધુ નુકસાન
દિલ્હી વિધાનસભામાં મંગળવારે લીકર પોલિસી સંબંધિત CAG રિપોર્ટ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે, દિલ્હીની લીકર પોલિસી બદલવાથી સરકારી ખજાનામાં રૂ. 2026.91 કરોડનું નુકસાન થયું છે.
શીશમહેલ કૌંભાંડ થયો આ ખુલાસો
શીશમહેલ કૌભાંડમાં છ ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત મુખ્યમંત્રી આવાસમાં બદલાવના નામ પર લોક નિર્માણ વિભાગે (પીડબ્લ્યૂડી) ટાઈપ VII અને VIII આવાસ-બંગલો માટે પ્લિંથ એરિયા દરોને અપનાવતાં રૂ. 7.91 કરોડનો પીઈ તૈયાર કર્યો હતો. પીડબ્લ્યૂડીએ આ કામને અત્યંત જરૂરી દર્શાવતાં પૂર્વ સરકારે 13.21 ટકા વધુ રૂ. 8.62 કરોડની ફાળવણી કરી હતી. પરંતુ અંદાજિત ખર્ચ કરતાં 342.31 ટકા વધુ રૂ. 33.66 કરોડમાં કામગીરી પૂરી કરી હતી.
AAP ના 21 ધારાસભ્યો સસ્પેન્ડ
દિલ્હી વિધાનસભાની કાર્યવાહી આજે મંગળવારે હોબાળા સાથે શરૂ થઈ હતી. ઉપ રાજ્યપાલના અભિભાષણ વચ્ચે વિપક્ષ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ભારે હોબાળો કર્યો હતો. સ્પીકરે વિપક્ષ નેતા આતિશી સહિત હોબાળો કરનારા તમામ ધારાસભ્યોને બહાર જવા આદેશ આપ્યો હતો. તેમજ આજે દિવસ દરમિયાન તેમને સદનની કાર્યવાહીમાં ભાગ ન લેવાનું સૂચન આપ્યું છે.
આજે સદનમાં રજૂ થનારા CAG રિપોર્ટના કારણે વિપક્ષ આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો. ભારે હોબાળાના કારણે સ્પીકરે અગાઉ વિપક્ષ નેતા આતિશી સહિત AAPના 12 ધારાસભ્યોને સદનની બહારનો રસ્તો બતાવ્યો હતો. તેમ છતાં હોબાળો ચાલુ રહેતાં બાદમાં 21 ધારાસભ્યોને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. સદનની બહાર પણ વિપક્ષે સરકાર પર આક્ષેપબાજી કરી હતી.
CAG રિપોર્ટના લીધે થયો હોબાળો
દિલ્હી વિધાનસભામાં આજે CAG રિપોર્ટ રજૂ થવાનો છે. આ રિપોર્ટમાં આમ આદમી પાર્ટી પર મુખ્યમંત્રી આવાસ અને મોહલ્લા ક્લિનિક્સના રિનોવેશનમાં કથિત ગેરરીતિઓનો ઉલ્લેખ છે. CAG રિપોર્ટના કારણે દિલ્હીની ભાજપ સરકાર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરવા તૈયાર છે.
આ પાંચ મુદ્દા પર સરકાર કરશે કામ
લેફ્ટનન્ટ ગવર્નરે પોતાના અભિભાષણમાં કહ્યું હતું કે, સરકાર પાંચ ટોચના મુદ્દાઓ પર કામ કરશે. જેમાં યમુના સફાઈ, પ્રદુષણ, ભ્રષ્ટાચારમુક્ત શાસન, બિનસત્તાવાર કોલોનીનું નિયમિતકરણ સામેલ છે. ઉપરાજ્યપાલે અભિભાષણમાં ભાજપ ધારાસભ્ય મોદી-મોદીના સુત્રોચ્ચાર કરી રહ્યા હતાં. બીજી બાજુ સદનની બહાર કરવામાં આવેલા AAPના ધારાસભ્યોએ બાબા સાહેબ આંબેડકરની તસવીર સાથે દેખાવો કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ માટે બાબા સાહેબ કરતાં પણ મોદી મોટા છે. આતિશીએ નિવેદન આપ્યું કે, ભાજપની સીએમ ઓફિસ, અને મંત્રીઓના કાર્યાલયોમાંથી બાબા સાહેબની તસવીર હટાવી મોદીની તસવીર લગાવવામાં આવી છે.