'અરવિંદ કેજરીવાલને કંઈ થયું તો...,' AAP ધારાસભ્યનો ભાજપ પર મોટો આરોપ
Delhi News: દિલ્હીના નાંગલોઈ જાટ ધારાસભ્ય રઘુવિંદર શૌકીને ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. ધારાસભ્યએ કહ્યું કે, ભાજપના કહેવા પર ગુંડાઓએ આખા વિસ્તારને ઘેરી લીધો છે, જ્યાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ આવી રહ્યા હતા. રઘુવિંદરના કહેવા અનુસાર, જો કેજરીવાલને કંઈપણ થાય છે તો તેના માટે દિલ્હી પોલીસ અને ભાજપ જવાબદાર રહેશે.
ધારાસભ્ય શૌકીને પોતાના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, 'બુધવારે અરવિંદ કેજરીવાલ નાંગલોઈ જાટમાં એક પીડિત પરિવારને મળવા આવી રહ્યા હતા. તે સમગ્ર વિસ્તારને ગુંડાઓએ ઘેરી લીધો છે અને પોલીસ મૂકદર્શક બની છે. કેજરીવાલને જો આજે કંઈ થઈ ગયું તો દિલ્હી પોલીસ અને ગૃહમંત્રી અમિત શાહ જવાબદાર રહેશે.'
મારી કારને ભાજપ કાર્યકર્તાઓએ રોકી : કેજરીવાલ
આપ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'છેલ્લા બે-અઢી વર્ષથી દિલ્હીની કાયદો વ્યવસ્થા ખૂબ ખરાબ છે. અમે વાર્તા સાંભળી છે કે 90ના દાયકામાં મુંબઈ અંડરવર્લ્ડના સકંજામાં હતું, પરંતુ ક્યારે વિચાર્યું નહોતું કે દિલ્હી આવું થઈ જશે.'
તેમણે વધુમાં કહ્યું કે, 'કેટલાક દિવસ પહેલા નાંગલોઈના એક વેપારી રોશનલાલે જ્યારે પોતાની દુકાન ખોલી તો બે લોકો આવ્યા અને તેમની દુકાન પર ફાયરિંગ કરી નાખ્યું. તે બંને આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે, પરંતુ તેના ઇરાદાઓ અને માસ્ટરમાઇન્ડ અંગે કોઈ તપાસ થઈ નથી. આજે હું રોશનલાલને મળવા આવ્યો હતો પરંતુ ભાજપના કાર્યકર્તાઓને તેમને મોકલી દીધા અને મારી કારને રોશનલાલની દુકાન પાસે જતાં રોકવામાં આવી.'