મનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈનના સ્થાને AAPના 2 નવા કેબિનેટ મંત્રીની નિમણૂંક પર રાષ્ટ્રપતિની મહોર
દિલ્હીના મુખ્યમંત્રીની સલાહ પર રાષ્ટ્રપતિએ આતિશી અને સૌરભને દિલ્હી કેબિનેટમાં મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે : ગૃહ મંત્રાલય
ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં બંધ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને 28 ફેબ્રુઆરીએ કેજરીવાલ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું
Image - Facebook |
નવી દિલ્હી, તા.7 માર્ચ-2023, મંગળવાર
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ ધારાસભ્યો આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજને અરવિંદ કેજરીવાલ સરકારમાં કેબિનેટ મંત્રી બનાવાયા છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં આ માહિતી અપાઈ છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રીની સલાહ પર દેશના રાષ્ટ્રપતિએ આતિશી અને સૌરભ ભારદ્વાજને દિલ્હી કેબિનેટમાં મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે.
સિસોદિયા અને જૈને 28 ફેબ્રુઆરીએ રાજીનામું આપ્યું હતું
આમ આદમી પાર્ટીની સરકારમાં શક્તિશાળી નેતા કહેવાતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સ્વિકારી લીધું છે. ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં બંધ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને 28 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. આ અંગે ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીના મુખ્યમંત્રીની સલાહ પર રાષ્ટ્રપતિએ તાત્કાલિક અસરથી દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનનું રાજીનામું સ્વીકારી લીધું છે. ઉલ્લેખનિય છે કે, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપ ધારાસભ્યો આતિશી અને સૌરભ ભારદ્વાજને કેબિનેટમાં સામેલ કરવા બંનેના નામોની ભલામણ એલજીને કરી હતી.
કોણ છે સૌરભ અને આતિશી ?
કેબિનેટમાં સામેલ કરાતા સૌરભ ભારદ્વાજ પહેલા પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે જવાબદારી નિભાવી. તેઓ હાલમાં દિલ્હી જળ બોર્ડના વાઈસ ચેરમેન તરીકે કાર્ય કરી રહ્યાં છે. ગ્રેટર કૈલાશના ધારાસભ્ય આપ સરકારના પ્રથમ કાર્યકાળમાં પણ મંત્રી હતાં. આતિશી કાલકાજી વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેઓ સિસોદિયાની શિક્ષણ ટીમના મહત્ત્વપૂર્ણ સભ્ય રહ્યાં છે. તેમણે 2019ની લોકસભા ચૂંટણી પણ લડી હતી પણ તે ભાજપના ગૌતમ ગંભીર સામે હારી ગયા હતાં. સીબીઆઇએ રવિવારે સિસોદિયાની ધરપકડ કરી હતી જ્યારે ઇડીએ ગયા વર્ષે મેમાં સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી.