'પપ્પા ધારાસભ્ય છે, લાઇસન્સ જરૂરી નથી..' પોલીસે અટકાવ્યો તો AAP MLAનો દીકરો ધમકાવવા લાગ્યો
AAP MLA Amanatullah Khans Son Charged with Traffic Violation: દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના પુત્ર અનસની બુલેટ બાઇક જપ્ત કરી છે. વાસ્તવમાં, પોલીસે AAP ધારાસભ્યના પુત્રને રોંગ સાઇડમાં બાઇક ચલાવવા માટે રોક્યો હતો. જ્યારે તેની પાસે લાયસન્સ અને આરસી માંગવામાં આવ્યું ત્યારે તે બંને વસ્તુઓ બતાવી શક્યો ન હતો. આરોપ છે કે તેણે પોલીસકર્મીઓને કહ્યું કે, 'મારા પપ્પા ધારાસભ્ય છે, તમે આ રીતે ચલણ કેવી રીતે જારી કરશો.'
પોલીસે આપી જાણકારી
પોલીસના જણાવ્યા અનુસાર, 'આગામી ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી)ને ધ્યાનમાં રાખીને જામિયા નગરના ASI અને SHO તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જ્યારે તેઓ બાટલા હાઉસના નફીસ રોડ પર પહોંચ્યા ત્યારે બુલેટ પર સવાર બે છોકરાઓ રોંગ સાઈડથી આવતા જોવા મળ્યા. બાઇકમાં મોડિફાઇડ સાઇલેન્સર લગાવવામાં આવ્યું હતું, જે ખૂબ જ જોરથી અવાજ કરી રહ્યું હતું. તેમજ છોકરાઓ ઝિગઝેગમાં બેદરકારીથી બાઇક ચલાવી રહ્યા હતા.'
છોકરાએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું
પોલીસે વધુમાં કહ્યું, 'તેમના સ્ટાફની મદદથી તેઓએ બંનેને રોક્યા અને તપાસ શરૂ કરી. પૂછપરછ દરમિયાન, બાઇક સવાર છોકરાએ પોતે આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનનો પુત્ર હોવાનું જણાવ્યું હતું. તેણે પોલીસને જણાવ્યું કે, 'મારી બાઇકને રોકી દેવામાં આવી કારણ કે તેના પર આમ આદમી પાર્ટીનું ચિહ્ન હતું.' આ દરમિયાન છોકરાએ પોલીસ સાથે પણ ગેરવર્તન કર્યું હતું.
ધારાસભ્ય સાથે ફોન પર વાત કરી
પોલીસના જણાવ્યા મુજબ, છોકરાએ ધારાસભ્ય અમાનતુલ્લાને ફોન કર્યો અને તેને SHO સાથે વાત કરવા કહ્યું, જેના પર ધારાસભ્ય ગુસ્સે થઈ ગયા.
દિલ્હી પોલીસ ASIના જણાવ્યા અનુસાર, તેની બાઈક પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. કેસ નોંધવામાં આવ્યો છે અને ચલણ જારી કરવામાં આવ્યું છે. કાયદા હેઠળ તેની બાઇક જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: શરદ અને અજિત પવાર વચ્ચે બંધબારણે બેઠકથી ભાજપ મૂંઝાયો, શું મહારાષ્ટ્રમાં નવા-જૂની થશે?
અગાઉ પણ હુમલાના મામલામાં FIR નોંધવામાં આવી હતી
જણાવી દઈએ કે અમાનતુલ્લાહના પુત્ર અનસ વિરૂદ્ધ નોઈડા પોલીસે FIR નોંધી હતી. અનસ પર નોઈડામાં પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો કરવાનો આરોપ હતો. બાદમાં અનસની સાથે અમાનતુલ્લાહ ખાન પર પણ પેટ્રોલ પંપના કર્મચારી સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો. અનસે કરેલા હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. નોઈડા કેસમાં અનસ ઘણા દિવસોથી ફરાર હતો.