દિલ્હીમાં કેમ થયો કારમો પરાજય? AAP એ આપ્યા ત્રણ મોટા કારણ, ભવિષ્ય માટે સેટ કર્યા ટાર્ગેટ
Reason Behind AAP Defeat In Delhi Election: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કારમા પરાજય બાદ પક્ષે પ્રથમ વખત પોતાની હારના કારણો જાહેર કર્યા છે. AAPએ પોતાની હારની સમીક્ષા કરી છે. જેમાં હારનું સૌથી મોટું કારણ પક્ષના મતોમાં મધ્યમ વર્ગના મતદારોની ગેરહાજરી હતી. આ વખતે મધ્યમ વર્ગના લોકો આમ આદમી પાર્ટીના બદલે ભાજપ સાથે હતા. 2014 અને 2020માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મધ્યમ વર્ગે આમ આદમી પાર્ટીને મોટાપાયે મત આપ્યો હતો. પરંતુ આ વખતે તેઓ ભાજપના સમર્થનમાં ગયા, જેના લીધે ભાજપ 27 વર્ષ બાદ દિલ્હીમાં સત્તા પર આવી છે.
લોકસભા ચૂંટણીમાં છેલ્લા ત્રણ વખતથી દિલ્હીની સાત બેઠકો પર ભાજપની કમાન હતી, જ્યારે બહુમતી સાથે AAP સતત જીતતી આવતી હતી. તેના કુલ વોટિંગમાં બહુમૂલ્ય ફાળો મધ્યમ વર્ગનો રહ્યો હતો. પરંતુ આ વખતે મધ્યમ વર્ગનો સાથ ન મળતાં AAP 22 બેઠકોમાં સમેટાઈ હતી. AAPના સૂત્રોએ મીડિયાને દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં હાર પાછળના ત્રણ મુખ્ય કારણો જણાવ્યા હતા.
1. મધ્યમ વર્ગનું ડાયવર્ઝન
AAP માટે અત્યંત મહત્ત્વની વોટિંગ બૅન્ક ગણાતો મધ્યમ વર્ગ પારંપારિક રૂપે છેલ્લી ત્રણ ચૂંટણીમાં વિધાનસભા બેઠકો માટે AAPને અને લોકસભા બેઠકો માટે ભાજપને મત આપે છે. પરંતુ આ વખતે આ પરંપરા બદલાઈ. બજેટમાં રૂ. 12 લાખની વાર્ષિક આવક પર ઝીરો ટેક્સની જાહેરાતથી મધ્યમ વર્ગ ભાજપ તરફ આકર્ષાયો અને જંગી સમર્થન સાથે ભાજપ મત મેળવવામાં સફળ રહ્યો. ઉલ્લેખનીય છે, દિલ્હીમાં ચૂંટણી પ્રચાર ત્રણ ફેબ્રુઆરીએ અને મતદાન પાંચ ફેબ્રુઆરીએ થયું હતું. જો કે, બજેટ એક ફેબ્રુઆરીએ રજૂ થયું હતું.
2. અંતિમ ચરણમાં બંધ બારણે કોઈ બેઠક નહીં
AAPના દિગ્ગજ નેતાઓનું માનવું છે કે, ભાજપની આ બહુમતી બંધ બારણે બેઠકો કરી રોકી શકાતી હતી. જો કે, AAP એ પોતાના પ્રચારના અંતિમ ચરણમાં બંધ બારણે કોઈ બેઠક કરી નહીં. દિલ્હીમાં ઉમેદવારોની જાહેરાત પહેલા જ મહિલાઓ સાથે 'રેવડી પર ચર્ચા' અને 'પિંક ચર્ચા' હેઠળ બંધ બારણે અનેક બેઠકો યોજી હતી. પરંતુ અંતિમ ચરણમાં AAP ભાજપનો મુકાબલો કરવામાં નિષ્ફળ રહી અને મતદારો ભાજપ તરફ ડાયવર્ટ થયા.
3. ધન-બળની અસર
AAPનું માનવું છે કે, અગાઉની ચૂંટણીમાં ભાજપે રૂપિયા અને દારૂ વહેંચ્યા હતા. પરંતુ આ વખતે તેણે ધનની સાથે સાથે બળ માટે પોલીસનો પણ ઉપયોગ કર્યો. AAPના કોર વોટર ગણાતા ઝૂંપડપટ્ટીના મતદારોમાં ભય પેદા કર્યો. જેનાથી ઘણા મતદારો મતદાનના દિવસે મત આપવા જ આવ્યા નહીં. જેનાથી AAPનો વોટિંગ શેર ઘટ્યો.
AAPની આગામી રણનીતિ
1. પંજાબ મોડલનું નિર્માણઃ પક્ષ પંજાબના ગઢને જાળવી રાખવા અને પંજાબ મોડલ બનવા માટે જનતાના કામોને પ્રાથમિકતા સાથે પૂરા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. છેલ્લા કેટલાક દિવસોથી આ રણનીતિ પર ચર્ચા કરવા પંજાબ કેબિનેટની બેઠક દિલ્હીમાં યોજાઈ હતી.
2. દિલ્હીમાં મજબૂત વિપક્ષની ભૂમિકાઃ ભાજપ સરકાર અને તેની નીતિઓને પડકારવા AAP મજબૂત વિપક્ષ તરીકેની રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરશે. દિલ્હી વિધાનસભામાં ભાજપની સામે એકમાત્ર વિપક્ષ AAP જ છે.
3. સંગઠનાત્મક વિસ્તરણઃ AAP હવે રાષ્ટ્રીય સ્તરે પોતાના સંગઠનનું વિસ્તરણ કરવાની તૈયારી કરી છે. જેમાં ગુજરાત અને ગોવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે દિલ્હી અને પંજાબમાં પોતાની ઉપસ્થિતિને મજબૂત કરવા પર ભાર મૂકશે.
દિગ્ગજ નેતાઓને મહત્ત્વની જવાબદારી અપાશે
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના યુનિટમાં મોટા ફેરફારની તૈયારી ચાલી રહી છે. દિલ્હીની લડાઈમાં AAPના મોટા ચહેરા ચૂંટણી હારી ગયા હતા. આ દિગ્ગજ નેતાઓને મોટી જવાબદારીઓ સોંપવામાં આવશે. દિલ્હી યુનિટમાં મોટા ફેરફારની તૈયારી થઈ રહી છે. પાયાના સ્તર પર મળેલી પ્રતિક્રિયાના આધારે AAP દિલ્હી યુનિટમાં ફેરફાર કરશે. પક્ષ ટૂંક સમયમાં બૂથ સ્તરના એજન્ટ અને કાર્યકરો સુધી પહોંચી કામગીરી શરુ કરશે. ઉલ્લેખનીય છે, દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ, પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન સહિત AAPના અનેક દિગ્ગજ નેતાઓ પોતાની સીટ બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા.