Get The App

BJPએ સંજીવ ઝા સહિત 4 ધારાસભ્યોને 20 કરોડની ઓફર આપી હોવાનો AAPનો દાવો

Updated: Aug 24th, 2022


Google NewsGoogle News
BJPએ સંજીવ ઝા સહિત 4 ધારાસભ્યોને 20 કરોડની ઓફર આપી હોવાનો AAPનો દાવો 1 - image


- કુલદીપ કુમારે કરેલા દાવા પ્રમાણે તેમને 20 કરોડ રૂપિયા ઓફર કરાયા હતા અને જો ધારાસભ્ય તોડીને લઈ જાય તો 25 કરોડ, તે ધારાસભ્યને 20 કરોડ રૂપિયા આપશે તેમ કહેવામાં આવ્યું હતું

નવી દિલ્હી, તા. 24 ઓગષ્ટ 2022, બુધવાર

દિલ્હીમાં એક્સાઈઝ પોલિસી મામલે ચાલી રહેલા રાજકીય ઘમાસણ વચ્ચે આમ આદમી પાર્ટીએ આજ રોજ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આપના સાંસદ સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સમાં મોદી સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા અને મોદી સરકારના નાપાક ઈરાદાઓની પોલ ખુલી ગઈ હોવાનો દાવો કર્યો હતો. 

આ પણ વાંચોઃ 2013માં કેજરીવાલે જ પોતાના ધારાસભ્યોને BJPના નામે ખોટા કોલ કરાવેલા- યોગેન્દ્ર યાદવ

4 ધારાસભ્યોને ઓફર

સંજય સિંહ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે ભાજપે આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો- સંજીવ ઝા, સોમનાથ ભારતી, અજય દત્ત અને કુલદીપ કુમારને તોડવા પ્રયત્ન કર્યો છે. ભાજપે આપના ચારેય ધારાસભ્યોને 20-20 કરોડ રૂપિયાની ઓફર આપી છે. સાથે જ જો પ્રસ્તાવનો અસ્વીકાર કરવામાં આવશે તો સિસોદિયાની માફક સીબીઆઈનો સામનો કરવા તૈયાર રહેવાની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું. 

સંજય સિંહે જણાવ્યું કે, તેઓ કઈ રીતે મોદી સરકાર દિલ્હી સરકારને પાડી દેવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે તેનો પર્દાફાશ કરશે. વધુમાં જણાવ્યું કે, ભાજપે 20-25 ધારાસભ્યો સંપર્કમાં હોવાનો દાવો કર્યો છે. તેઓ દિલ્હીના શિક્ષણ મોડલથી ચિંતિત છે અને દેશને વેચવા ઈચ્છે છે. કેજરીવાલ દેશને બચાવવા માંગે છે. ઉપરાંત સાવધાન રહેજો, આ દિલ્હી છે, અહીં આપની સરકાર છે, તે વેચાવાની નથી તેમ પણ કહ્યું હતું. 

આ પણ વાંચોઃ ભાજપની ઓફરનું રેકોર્ડિંગ હોવાનો સિસોદિયાનો દાવો, કહ્યું- હું CM બનવા નથી આવ્યો

સોમનાથ ભારતીએ કથિત ઓફર જણાવી

આપના ધારાસભ્ય સોમનાથ ભારતીએ કરેલા દાવા પ્રમાણે, 'સત્તા અને બળના આધાર પર પ્રજાતંત્રનું ચીરહરણ થઈ રહ્યું છે. ભાજપના નેતાએ મારા સાથે એક પ્રયત્ન કર્યો. તેઓ કહે છે કે, અમારા બની જાઓ અથવા મનીષ સિસોદિયા જેવી દુર્ગતિ કરીશું. ભાજપા નેતાએ કહ્યું કે 20 કરોડ રૂપિયા તૈયાર છે, રાજી થશો તો પહોંચી જશે, વધુ ધારાસભ્યો લાવશો તો રેટ 25 કરોડ થઈ જશે.'

જાણો સંજીવ ઝાએ શું દાવો કર્યો

આપના ધારાસભ્ય સંજીવ ઝાએ કરેલા દાવા પ્રમાણે ભાજપના ધારાસભ્યએ તેમને આમ આદમી પાર્ટી છોડવાના બદલામાં 20 કરોડ રૂપિયાની ઓફર આપી અને ધારાસભ્યને તોડીને લાવવા માટે 25 કરોડ આપવામાં આવશે તેમ કહ્યું. ઉપરાંત જો વાત નહીં માને તો મનીષ સિસોદિયા જેવી હાલત કરવામાં આવશે, ખોટા કેસમાં ફસાવવામાં આવશે એવું કહ્યું. સંજીવ ઝાના કહેવા પ્રમાણે આ સાંભળીને તેમનું લોહી ઉકળી ઉઠ્યું હતું.  

આ પણ વાંચોઃ દિલ્હીમાં ઓપરેશન લોટસ ફેલ : કેજરીવાલની ટ્વીટ

કુલદીપ કુમારે 2 કથિત ઓફરનો ઉલ્લેખ કર્યો

આપના ધારાસભ્ય કુલદીપ કુમારના કહેવા પ્રમાણે ભાજપના પશ્ચિમી દિલ્હીના કોઈ દિગ્ગજ નેતાએ તેમનો સંપર્ક કર્યો હતો અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી ખતમ થઈ જશે તેમ જણાવ્યું હતું. કુલદીપ કુમાર દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે તેમને 20 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી. ઉપરાંત જો ધારાસભ્ય તોડીને લાવે તો 25 કરોડ રૂપિયા અને તે ધારાસભ્યોને 20 કરોડ રૂપિયા આપવાની લાલચ આપવામાં આવી હતી. ઉપરાંત ભાજપના નેતાએ એમ કહ્યું હતું કે, સીબીઆઈ અને ઈડીવાળાઓ તમને હેરાન કરશે. દિલ્હીમાં સરકાર તૂટશે એટલે સાથે આવી જાઓ. 

ઓફર મામલે કુલદીપ કુમારે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી આંદોલનમાંથી બનેલી પાર્ટી છે, તેઓ તૂટશે નહીં. 

અજય દત્તે પણ પોતાની ઓફર જણાવી

આપના ધારાસભ્ય અજય દત્તે જણાવ્યું કે, અન્ય રાજ્યના ભાજપના નેતાએ તેમને દિલ્હીમાં સરકાર પડી ભાંગશે તેમ કહ્યું હતું. સાથે જ એમ પણ કહ્યું હતું કે, દિલ્હીમાં ભાજપ અનેક આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના સંપર્કમાં છે. અજય દત્તના કહેવા પ્રમાણે તેમને 20 કરોડ રૂપિયાની ઓફર કરાઈ હતી પરંતુ પોતે એમ વેચાઈ નહીં જાય. તેઓ અરવિંદ કેજરીવાલ અને પાર્ટી સાથે ગદ્દારી નહીં કરે. 

આ પણ વાંચોઃ કેજરીવાલ ગુજરાતમાં- સિસોદિયાની ધરપકડ થશે, મારી પણ થઇ શકે


Google NewsGoogle News