Get The App

'22 રાજ્યોમાં વીજળી મફત કરો, હું તમારો પ્રચાર કરીશ...', કેજરીવાલનો ભાજપને મોટો પડકાર

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
Arvind Kejriwal


AAP Party Chief Arvind Kejriwal: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છત્રસાલ સ્ટેડિયમમાં જનસભાને સંબોધિત કરતાં ભાજપને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે. ભાજપ પર પ્રહારો કરતાં કેજરીવાલે ચેલેન્જ કરી છે કે, જો 22 રાજ્યોમાં વીજ મફત કરો તો હું પોતે તમારો પ્રચાર કરીશ.

કેજરીવાલે કહ્યું હતું કે, ‘એક્ઝિટ પોલમાં હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં ભાજપની ડબલ એન્જિન સરકારો બની રહી છે. પરંતુ ડબલ એન્જિન ફેલ થયું છે. 240 બેઠકો આવી તેમાં જૂનમાં જ એક એન્જિન તૂટી ગયું હતું.’ 

ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ‘આખા દેશમાં તેઓ સત્તા ગુમાવી રહ્યા છે. લોકો સમજી ગયા છે કે ડબલ એન્જિન સરકાર એટલે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી. થોડા દિવસ બાદ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી છે. હરિયાણામાં પણ ડબલ એન્જિન સરકાર બનાવી હતી, પરંતુ ત્યાંથી લોકો તેમનો સાથ છોડી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં સાત વર્ષથી ડબલ એન્જિનની સરકાર હતી. લોકસભામાં અડધી સીટ થઈ ગઈ. મણિપુરમાં સાત વર્ષથી સરકાર હતી, મણિપુર ભડકે બળી રહ્યું છે. શું તેઓ આખો દેશ મણિપુર બનાવવા માગે છે? એટલે જ હવે તેઓ તમારા બારણે આવે તો ઈનકાર કરી દેજો.’

આ પણ વાંચોઃ તિરૂપતિ મંદિરના પ્રસાદમાં ચરબી બાદ હવે 'જીવડું' નીકળ્યું! ટ્રસ્ટે કહ્યું - 'ક્યારેક આવું થઈ જાય...'

'ભાજપ 22 રાજ્યોમાં વીજળી ફ્રી કરે, હું તેમના માટે પ્રચાર કરીશ'

કેજરીવાલે કહ્યું કે ‘તેઓ દિલ્હીની ચૂંટણીમાં પણ તમારી પાસે આવશે અને કહેશે કે અરવિંદ કેજરીવાલ જે કામ કરશે તે અમે પણ કરીશું. હું કહેવા માંગુ છું કે ભાજપ 22 રાજ્યોમાં સત્તા પર છે, શું તેણે ક્યાંય વીજળી અને પાણી ફ્રી કરી છે? ગુજરાતમાં 30 વર્ષથી સરકાર છે અને ત્યાં એક પણ સારી શાળા નથી. જો ભાજપ આ 22 રાજ્યોમાં વીજળી ફ્રી કરશે તો હું દિલ્હીની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરીશ.’

રાજકારણમાં લૂંટ અને વિનાશનો માહોલ- સંજય સિંહ

કેજરીવાલના સંબોધન પહેલાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે ‘ભારતીય રાજનીતિમાં લૂંટ અને વિનાશનો માહોલ છે. આપણા ભાઈ અરવિંદ કેજરીવાલે તેમનો મુકાબલો કરવાનું, ગુંડાઓનો સામનો કરવાનું અને તેમને મેદાન બતાવવાનું કામ કર્યું છે. જ્યારે કેજરીવાલે મફત વીજળી, પાણી, શિક્ષણ, સારવાર, બધું જ મફત આપવાનું શરૂ કર્યું તો, તેઓ તેમને અટકાવવા લાગ્યાં.’

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘દિલ્હીનું કામ નહીં અટકવા દઉં, ભલે પછી મારે જેલમાં જવુ પડે. બસ માર્શલ્સને રોજગાર આપ્યો છે, જેથી બહેનો-દિકરીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય. સીસીટીવી લગાવવા માટે પણ સંઘર્ષ કર્યો છે. મોદીજીની ભત્રીજી દિલ્હી આવી હતી, ત્યારે તેનું પર્સ ચોરાઈ ગયું હતું, તો કેજરીવાલે સીસીટીવીની મદદથી શોધખોળ કરી. ભાજપના લોકો દિલ્હીની 3 કરોડ જનતાનું કામ અટકાવશો નહીં.’

'22 રાજ્યોમાં વીજળી મફત કરો, હું તમારો પ્રચાર કરીશ...', કેજરીવાલનો ભાજપને મોટો પડકાર 2 - image


Google NewsGoogle News