હરિયાણા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, ભાજપ-કોંગ્રેસના બળવાખોરોને આપી ટિકિટ
AAP Candidates Second List: આમ આદમી પાર્ટીએ હરિયાણા માટે 9 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ભાજપ-કોંગ્રેસના બળવાખોર નેતાઓને ઉમેદવાર બનાવ્યા છે. બરવાલાથી ભાજપના બળવાખોર છત્રપાલ સિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. થાનેસરથી ભાજપના બળવાખોર કૃષ્ણ બજાજ અને બાવલથી કોંગ્રેસના બળવાખોર નેતા જવાહર લાલને ટિકિટ આપી છે.
બીજી તરફ સાઢૌરા બેઠક પરથી રીટા બામણિયા, ઈન્દ્રીથી હવા સિંહ, રતિયાથી મુખત્યાર સિંહ બાઝીગર, આદમપુરથી ભૂપેન્દ્ર બેનીવાલ, ફરીદાબાદથી પ્રવેશ મહેતા અને તિગાંવથી આભાષ ચંદેલાને ટિકિટ આપવામાં આવી છે.
જવાહર લાલ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યા છે
બાવલથી કોંગ્રેસના બળવાખોર જવાહર લાલે ભાજપની ટિકિટ પર 2009ની વિધાનસભા ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા અને લગભગ 14 વર્ષ સુધી પાર્ટી સાથે રહ્યા. પરંતુ આ વખતે કોંગ્રેસ તરફથી ટિકિટ મળવાની કોઈ શક્યતા ન જણાતા તેઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા. આમ આદમી પાર્ટીએ બાવલથી ટિકિટ આપી છે.
કુરુક્ષેત્રમાં ભાજપનો સૌથી જૂનો ચહેરો હતા કૃષ્ણ બજાજ
કૃષ્ણ બજાજ કુરુક્ષેત્રમાં ભાજપનો સૌથી જૂનો ચહેરો રહ્યા છે. લગભગ 45 વર્ષથી ભાજપ સાથે રાજનીતિ કરી ચૂક્યા છે. આ વખતે તેમને ટિકિટ ન મળી તેથી તેઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા. પાર્ટીએ તેમને થાનેસરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
ચૌધરી દેવીલાલને હરાવી ચૂક્યા છે છત્રપાલ સિંહ
બીજી તરફ પૂર્વ મંત્રી પ્રો. છત્રપાલ સિંહ સોમવારે જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેમણે ભાજપ પર પોતાની અવગણનાનો આરોપ લગાવીને પાર્ટી છોડી દીધી છે. તેઓ 1991ની વિધાનસભા ચૂંટણીમાં ચૌધરી દેવીલાલને હરાવી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીએ બરવાલા બેઠક પરથી છત્રપાલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
હવા સિંહ BSPની ટિકિટ પર લડી ચૂક્યા છે ચૂંટણી
આમ આદમી પાર્ટીએ ઈન્દ્રીથી હવા સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેઓ 20 વર્ષથી રાજકારણમાં છે. 2019માં તેમણે BSPની ટિકિટ પર ચૂંટણી લડી હતી. પરંતુ તેમનો પરાજય થયો હતો. ત્યારબાદ તેઓ 2022માં આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા.
20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ હતી
હરિયાણામાં કોંગ્રેસ સાથે ગઠબંધનના અહેવાલો વચ્ચે ગઈ કાલે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પાર્ટીએ આ યાદીમાં 20 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની આ યાદી એવા સમયે બહાર પાડી જ્યારે બંને પક્ષો વચ્ચે ગઠબંધન અંગે ચર્ચા થઈ રહી હતી અને ગઠબંધન થશે કે નહીં તે અંગે AAP કે કોંગ્રેસ દ્વારા કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં નથી આવી.
આમ આદમી પાર્ટી દ્વારા હરિયાણામાં ગઠબંધનને લઈને કોંગ્રેસ પાસેથી 10 બેઠકોની માગ કરી રહી હતી, પરંતુ હવે આમ આદમી પાર્ટીએ પોતાના 29 ઉમેદવારો જાહેર કરી દેતા લાગે છે કે હવે હરિયાણામાં કોંગ્રેસ-આપ ગઠબંધન નહીં થાય.
કોંગ્રેસનું ગઠબંધનનું સપનુ તૂટી ગયુ
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (આપ)એ 29 ઉમેદવારોની 2 યાદી જાહેર કરતાની સાથે જ કોંગ્રેસનું ગઠબંધન કરવાનું સપનુ તૂટી ગયુ છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ થોડા સમય પહેલાં જ રાજ્યના કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કરી ગઠબંધનનો સંકેત આપ્યો હતો. પરંતુ પક્ષમાં બે મત હોવાથી અને આપની અમુક શરતોના કારણે ગઠબંધન થઈ શક્યુ નહીં.
કોંગ્રેસ આપને નબળી બેઠકો આપી રહી હતી
કોંગ્રેસ નેતાઓના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન ન થવાનું સૌથી મોટુ પરિબળ બેઠકોની પસંદગી હતી. કોંગ્રેસ કલાયત, પિહોવા, જિંદ, ગુહલા, અને સોહના જેવી બેઠકો છોડવા તૈયાર ન હતી. જ્યારે આપના સુત્રો મુજબ, કોંગ્રેસ તેને નબળી બેઠકો આપી રહી હતી.