Get The App

આપના આતિશી ભાજપના નેતાની કારમાં, ભારદ્વાજે પગ પકડી રાખ્યા

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
આપના આતિશી ભાજપના નેતાની કારમાં, ભારદ્વાજે પગ પકડી રાખ્યા 1 - image


- બસમાં માર્શલોની બહાલી મુદ્દે આપ-ભાજપ વચ્ચે ડ્રામા

- માર્શલોની બહાલી માટે એલજીને મળવા જતા હતા ત્યારે ભાજપના ધારાસભ્યો છટકવા લાગ્યા : આપ

- અમે આ મામલો અગાઉ જ એલજી સમક્ષ ઉઠાવી લીધો હતો, આપ નાટકો ના કરે : ભાજપ

નવી દિલ્હી : દિલ્હીમાં બસોમાં માર્શલોંની તૈનાતીને લઇને આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી આતિશી મંત્રીઓ સાથે માર્શલોની તૈનાતી બહાલ કરવા માટે ઉપરાજ્યપાલ પાસે પહોંચ્યા હતા. જોકે આરોપ છે કે ભાજપના ધારાસભ્યો સચિવાલયેથી જ ભાગવા લાગ્યા હતા. તેથી આપના નેતાઓએ તેમના પગ પકડીને રોક્યા હતા. 

આ સમગ્ર ડ્રામાનો વીડિયો અને તસવીરો  સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીનો દાવો છે કે ભાજપના ધારાસભ્યો ઉપરાજ્યપાલને મળવા માટે તૈયાર થયા બાદમાં  ભાગવા લાગ્યા, તેથી મંત્રી સૌરભ ભારદ્વાજે આ ધારાસભ્યોના પગ પકડીને તેમને રોકી રાખ્યા હતા જ્યારે મુખ્યમંત્રી આતિશી ભાજપના નેતાઓની કારમાં બેસી ગયા હતા. બસમાં માર્શલોને ફરી તૈનાત કરવા માટે ભાજપના ધારાસભ્યોની સામે જ કેબિનેટ નોટ પાસ કરાઇ હતી. જેને ઉપરાજ્યપાલને સોંપવા ગયા હતા. 

દિલ્હીના મુખ્યમંત્રી આતિશી ભાજપના ધારાસભ્યની કારમાં જ ઉપરાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. આપનો દાવો છે કે આ ધારાસભ્યો બાદમાં ભાગી ના જાય માટે આમ કરાયું હતું. જોકે આ ઘટના બાદ સૌરભ ભારદ્વાજ, આપના ધારાસભ્યો અને બસ માર્શલોંની અટકાયત કરી લેવામાં આવી હતી. જ્યારે દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીએ નોટંકી કરી છે. આ નાટકો પહેલા જ અમે ઉપરાજ્યપાલ સાથે માર્શલોની બહાલી માટે બેઠક યોજી લીધી હતી. 

જ્યારે મુખ્યમંત્રી આતિશીએ કહ્યું હતું કે ભાજપના ધારાસભ્યો મને મળવા આવ્યા હતા. માર્શલોની બહાલી ઉપરાજ્યપાલના હાથમાં છે તે વાત અમે ધારાસભ્યોને સમજાવી. જાહેર બસોમાં માર્શલો તૈનાત કરાતા હતા, ગયા વર્ષે જ આશરે ૧૦ હજાર જેટલા આ માર્શલોંને હટાવી દેવાયા હતા અને એવુ કારણ અપાયું હતું કે આ કર્મચારીઓ માત્ર ડિઝાસ્ટર સાથે સંકળાયેલા કામો કરવા જ નિમાયા છે. 


Google NewsGoogle News