કોંગ્રેસના 'હાથ'માંથી નીકળ્યું 'ઝાડુ'! મજબૂત બેઠકો પર AAPએ ઉતાર્યા ઉમેદવાર, હવે નહીં થાય ગઠબંધન?
Haryana Assembly Elections 2014: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP)એ 20 ઉમેદવારોની જાહેરાત કરી છે. આ સાથે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું AAP હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડશે? કારણ કે I.N.D.I.A. ગઠબંધનને લઈને કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. રાહુલ ગાંધીએ હરિયાણામાં આપ સાથે ગઠબંધન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સોમવારે (નવમી સપ્ટેમ્બર) સવારે પૂર્વ રાજ્યસભા સાંસદ સુશીલ ગુપ્તાએ પહેલા કોંગ્રેસને આજનું અલ્ટીમેટમ આપ્યું અને પછી લગભગ 3 વાગ્યે પહેલી યાદી બહાર પાડી. સૂત્રોના જણાવ્યનુસાર, આપ અને કોંગ્રેસ વચ્ચે પાંચ બેઠક પર સમજૂતી થવાની અપેક્ષા હતી. અગાઉ પંજાબમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન થઈ શક્યું ન હતું, પરંતુ ચંડીગઢમાં બંને પક્ષોનું ગઠબંધન સફળ રહ્યું હતું.
આપે તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી!
જો ગઠબંધન ન થાય તો આમ આદમી પાર્ટીએ રાજ્યની તમામ 90 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. દિલ્હી અને પંજાબ સિવાય અત્યાર સુધીમાં આપને ગુજરાતમાં સૌથી વધુ બેઠક મળી છે. અન્ય રાજ્યોમાં તેને અપેક્ષિત સફળતા મળી નથી. આપે હરિયાણામાં 20 બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા છે. આમાં આવી 11 બેઠકો છે. જ્યાં કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. તેમાંથી ઘણી એવી બેઠક છે જે વર્ષ 2019માં કોંગ્રેસે જીતી હતી. આવી સ્થિતિમાં કેટલાક રાજકીય વિશ્લેષકો તેને દબાણની રાજનીતિનો ભાગ પણ માની રહ્યા છે.હરિયાણામાં નામાંકન ભરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર છે.
કોંગ્રેસ સામે આપના ઉમેદવારો
ગઠબંધન અંગે સતત ચર્ચા થતી રહી
ઉલ્લેખનીય છે કે, હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈને લાંબી ચર્ચા થઈ હતી. રવિવારે પણ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી દીપક બાબરિયા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ મુલાકાત કરી હતી. આ બેઠક બાદ બંને નેતાઓએ ટૂંક સમયમાં ગઠબંધનને અંતિમ સ્વરૂપ આપવાની વાત કરી હતી. જોકે, મીડિયા સાથે વાત કરતાં દીપક બાબરિયાએ કહ્યું હતું કે 'ગઠબંધન અંગેની મંત્રણા આગામી બે દિવસમાં નક્કી કરવામાં આવશે. પરંતુ હવે AAPએ જે રીતે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે, તેનાથી તેના ગઠબંધનની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.'