સ્કૂલોમાં બોમ્બની ધમકી કેસમાં લિંકના આરોપો પર AAP આકરા પાણીએ, ભાજપને લીધું આડેહાથ
Schools Bomb Threat in Delhi: દિલ્હીમાં ચૂંટણીના માહોલ વચ્ચે સ્કૂલોમાં બોમ્બની ધમકીના મુદ્દો ચગ્યો છે. સ્કૂલોમાં બોમ્બની ધમકી મામલે દિલ્હી પોલીસના ખુલાસા બાદ ભાજપના આરોપથી દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે. ભાજપે આ મામલે સગીર વિદ્યાર્થી અને એક એનજીઓનું નામ સામે આવવા પર ચિંતા વ્યક્ત કરી અને આમ આદમી પાર્ટીને પૂછ્યું કે, તેનો આ એનજીઓ સાથે શું સંબંધ છે. હવે આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયા સામે આવી છે. આમ આદમી પાર્ટીએ ભાજપની સાથે દિલ્હી પોલીસ પર પણ પ્રહાર કર્યા છે.
સુધાંશુ ત્રિવેદીએ ગણાવ્યા પોલીસ કમિશનર
આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું કે, 'સુધાંશુ ત્રિવેદીજીને તમે સાંભળ્યા. તેમની નિમણૂક દિલ્હી પોલીસ કમિશનર તરીકે થઈ ગઈ છે. તેઓ દરરોજ નવા નવા ખુલાસા કરી રહ્યા છે. એટલું જ નહીં જે ખુલાસા પોલીસ નથી કરતી તે સુધાંશુ ત્રિવેદી કરે છે. પોલીસ જે નથી જણાવી શક્તિ તેને અનુરાગ ઠાકુરજી બતાવે છે. દિલ્હી પોલીસને પણ જે નથી ખબર તે સ્મૃતિ ઈરાનીજીને ખબર છે.'
'ભાજપ બાળકોને ધમકીઓ પર રાજનીતિ કરી રહી છે'
સંજય સિંહે કહ્યું કે, 'ભાજપ બાળકોને મળી રહેલી બોમ્બની ધમકી પર રાજનીતિ કરી રહ્યું છે. તેઓ સ્કૂલોમાં ભણતા નાના-નાના બાળકોને મળતી ધમકીઓનો રાજકીય લાભ ઉઠાવી રહી છે. ભાજપને દિલ્હી અને દેશની સુરક્ષા સાથે કોઈ લેવા-દેવા નથી. તેમની પાસે નેતા, નીતિ અને નીયત નહીં પરંતુ માત્ર આરોપ-પ્રત્યારોપ છે. વગર પુરાવાએ કંઈ પણ કહેવું કેવી રાજનીતિ છે?'
સંજય સિંહે પૂછ્યા સવાલ
સંજય સિંહે કહ્યું કે, 'હું પૂછવા માગું છું કે દિલ્હીના રોહિણીમાં જે બ્લાસ્ટ થયા, તેમાં કેટલા ગુનેગાર પકડાયા. દિલ્હીની કોર્ટમાં જજની સામે જે હત્યા થઈ તે કેસમાં શું થયું. એક મહિલાનું દુષ્કર્મ કરીને રોડ પર ઢસડવામાં આવી, તે મામલે શું થયું. દિલ્હીમાં ગેંગવોર થયો તેનું શું થયું. વેપારીઓને ધમકી આપવામાં આવી રહી છે. ગોળીઓ મારવામાં આવી રહી છે, તેનું શું થયું. હું પૂછું છું કે મંદિરોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ આપવામાં આવી, તે મામલે શું થયું.'
બનાવટી કહાની બનાવવાનો આરોપ
સંજય સિંહે કહ્યું કે, 'તમે (ભાજપ) સુરક્ષા જેવા ગંભીર મુદ્દાને રાજનીતિક નફા નુકસાન માટે ઉપયોગ કર્યો. તમને 10 મહિના સુધી ખબર ન પડી, પરંતુ ચૂંટણીના 15 દિવસ પહેલા એક બનાવટી કહાની લઈને આવી ગયા. એટલા માટે હું કહું છું કે, ભાજપને ન તો દેશની સુરક્ષા સાથે મતલબ છે અને ન તો રાષ્ટ્રની સુરક્ષા સાથે કોઈ લેવા-દેવા છે. મારો સવાલ છે કે, મંદિરોને ધમકી, ફ્લાઈટોને ધમકી, હોટલોને ધમકી શું કેજરીવાલના રાજ્યમાં થઈ રહ્યું છે.'