દિલ્હી લિકર પોલિસી મામલે હવે 'AAP' પણ આરોપી, કેજરીવાલ અને પાર્ટી સામે EDએ દાખલ કરી ચાર્જશીટ
Delhi Liquor Policy Case: ઈડીએ કથિત લિકર કૌભાંડ મામલે આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બંને વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ઈડીએ રાઉઝ એવેન્યૂ કોર્ટમાં દાખલ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથો સાથ હવે તેમની પાર્ટીને પણ આરોપી બનાવવામાં આવી છે.
પાર્ટીના પદાધિકારીઓની વધી શકે છે મુશ્કેલી
આમ આદમી પાર્ટી વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ થયા બાદ હવે પાર્ટીના પદાધિકારીઓની મુશ્કેલીઓ વધી શકે છે. પાર્ટીના સંયોજક હોવાના નાતે અરવિંદ કેજરીવાલની મુશ્કેલી હજુ વધી શકે છે. ઈડીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, 'તેને આબકારી નીતિ મામલે આરોપીની કથિત આવકના સંબંધમાં અરવિંદ કેજરીવાલ અને હવાલા ઓપરેટરો વચ્ચે ચેટ અંગે જાણ થાય છે.'
1 જૂન સુધી વચગાળાના જામીન પર છે કેજરીવાલ
તપાસ એજન્સીએ દાવો કર્યો કે, જ્યારે કેજરીવાલે પોતાના ફોન અને અન્ય ઉપકરણોનો પાસવર્ડ આપવાની ના પાડી તો હવાલા ઓપરેટરોએ ડિવાઈસથી ચેટ મેળવી. સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર પોલિસી મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપી દીધા છે. જોકે, આ દરમિયાન તેઓ સીએમ ઓફિસ અને દિલ્હી સચિવાલય નહીં જઈ શકે. કોર્ટે કેજરીવાલને 2 જૂને સરેન્ડર કરવાના નિર્દેશ આપ્યા હતા.
'તપાસ એજન્સીની પાસે જરૂરી પુરાવા'
ઈડી તરફથી રજૂ થતા સૉલિસિટર જનરલ એસવી રાજૂએ ગુરૂવારે (16 મે) સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની પીઠને કહ્યું કે, 'અમે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવાનો પ્રસ્તાવ કરી રહ્યા છીએ.'
એસવી રાજૂએ દાવો કર્યો હતો કે, તપાસ એજન્સીની પાસે આ સાબિત કરવા માટે જરૂરી પૂરાવા છે કે કેજરીવાલને 100 કરોડ રૂપિયાની લાંચની માંગ કરી હતી, જેનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ ગોવા વિધાનસભા ચૂંટણી અભિયાનમાં કર્યો હતો. એસવી રાજૂએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, 'અમારી પાસે પ્રત્યક્ષ પ્રમાણ છે કે કેજરીવાલ એક સેવેન સ્ટાર હોટલમાં રોકાયા હતા, જેના બિલની અમૂક ચૂકવણી એક આરોપીએ કરી હતી.'