'આમ આદમી' રાઘવ ચઢ્ઢાને એવોર્ડ, ઈન્ડિયા યુકે આઉટસ્ટેન્ડિંગ એચીવર્સ ઓનરથી સન્માનિત થશે
રાઘવ ચઢ્ઢાએ કહ્યું - આ સિદ્ધી કેજરીવાલ દ્વારા શરૂ કરાયેલા રાજકારણ માટે એક નવી બ્રાન્ડને માન્યતા
રાઘવને સરકાર અને રાજકારણની કેટેગરી માટે આઉટસ્ટેન્ડિંગ એચીવર તરીકે પસંદ કરાયા હતા.
image : Twitter |
નવી દિલ્હી, તા. 25, જાન્યુઆરી, બુધવાર
રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા લંડનમાં પ્રતિષ્ઠિત ઈન્ડિયા યુકે એચીવર્સ ઓનર્સમાં આઉટસ્ટેન્ડિંગ એચીવર સન્માન માટે પસંદગી પામ્યા હતા. રાઘવને સરકાર અને રાજકારણની કેટેગરી માટે આઉટસ્ટેન્ડિંગ એચીવર તરીકે પસંદ કરાયા હતા. આ સન્માન એવી વ્યક્તિને અપાય છે જે લોકશાહી અને ન્યાયનો અનુભવ કેવી રીતે કરાય છે અને લોકો તથા ગ્રહની ભલાઈ માટે એક સાથે પડકારજનર સામાજિક સમસ્યાઓનો સામનો કેવી રીતે કરાય છે તેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે.
જાણો રાઘવ ચઢ્ઢાના અભ્યાસ વિશે...
રાઘવ ચઢ્ઢાએ પ્રતિષ્ઠિત લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સથી અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે લંડનમાં એક બુટીક વેલ્થ મેનેજમેન્ટ ફર્મની સ્થાપના કરી હતી. તેના પછી તે ભારત આવી ગયા અને એક યુવા કાર્યકર તરીકે ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની માગ કરતા ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન મૂવમેન્ટમાં જોડાઈ ગયા. પછી આ આંદોલને આમ આદમી પાર્ટીનું સ્વરૂપ ધારણ કર્યું. જેનું નેતૃત્વ કેજરીવાલે કર્યું.
કોને શ્રેય આપ્યો...
આ સન્માન પ્રાપ્ત કરવા બદલ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આ પુરસ્કાર કોઈ વ્યક્તિની સિદ્ધીઓની માન્યતા નથી પણ મારા નેતા કેજરીવાલ દ્વારા શરૂ કરાયેલી રાજનીતિ માટે એક નવી બ્રાન્ડની માન્યતા છે. ભારતની સૌથી ઝડપથી વધતી રાજકીય સ્ટાર્ટઅપ, આમ આદમી પાર્ટી ખરેખર લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.