દિલ્હીમાં હાર બાદ AAPને ભાજપ શાસિત રાજ્યમાંથી ગુડ ન્યૂઝ મળી, સ્થાનિક એકમની ચૂંટણીમાં ખાતું ખુલ્યું
AAP Win In Chhattisgarh: દિલ્હીમાં સત્તા ગુમાવનાર આમ આદમી પાર્ટી(AAP)ને છત્તીસગઢથી ખૂબ જ સારા સમાચાર મળ્યા છે. ભાજપ શાસિત રાજ્યમાં યોજાયેલી સ્થાનિક એકમની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની પાર્ટીએ પોતાનું ખાતું ખોલ્યું છે. બિલાસપુરમાં આપે એક નગરપાલિકાની બેઠક જીતી છે. બોદરી નગરપાલિકા પ્રમુખ પદ માટે આપ ઉમેદવાર નીલમ વિજય વર્માએ જીત મેળવી છે. આ ઉપરાંત કેટલાક કાઉન્સિલરો પણ જીત્યા છે.
બોદરી નગરપાલિકામાં ત્રણ કાઉન્સિલરો જીત્યા
અહેવાલો અનુસાર, બોદરી બિલાસપુરની સૌથી મોટી નગરપાલિકાની બેઠક છે. જે વિધાનસભા અધ્યક્ષ ધર્મરાજ કૌશિકના વિસ્તારમાં છે. અહીં આપ ઉમેદવાર વિજય વર્માએ ભાજપના ઉમેદવારને હરાવ્યા. બોદરી નગરપાલિકામાં ત્રણ કાઉન્સિલરો જીત્યા છે અને કુસ્મીના એક વોર્ડમાં આપનો વિજય થયો છે. AAPનો વિજય એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે પાર્ટી બીજા રાજ્યમાં પ્રવેશી છે.
ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું
છત્તીસગઢમાં સ્થાનિક એકમની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભાજપે તમામ 10 મ્યુનિસિપલ કૉર્પોરેશનો જીતી લીધા છે. મોટાભાગની મ્યુનિસિપલ કાઉન્સિલોમાં પણ ભાજપની જીત થઈ છે. કેટલાક કિસ્સાઓમાં, અપક્ષ અને કોંગ્રેસના ઉમેદવારો જીત્યા છે.