આમ આદમી પાર્ટીએ ભાજપને ઘેરવા બનાવી મોટી યોજના, મહિલાઓ માટે કરી મોટી જાહેરાત
Delhi Assembly Election 2025 : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીઓની જોરશોરથી તૈયારીઓ કરી રહેલી આમ આદમી પાર્ટી (AAP)એ મહિલાઓના હિતમાં વધુ એક જાહેરાત કરી ભાજપ ચિંતા વધારતી જઈ રહી છે. AAP દિલ્હીની કાયદો-વ્યવસ્થા મુદ્દે સતત ભાજપ પર પ્રહારો કરી રહી છે, ત્યારે પાર્ટીએ આવતીકાલે (16 ડિસેમ્બર) ‘મહિલા અદાલત’ યોજવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલ અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ ઉપસ્થિત રહેશે.
AAP અગાઉ પણ મહિલાઓના હિતમાં લીધો હતો આ નિર્ણય
AAP મહિલાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા મુદ્દે મહિલા અદાલત યોજવાની છે. આ પહેલા ગુરુવારે 12મી ડિસેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલે ‘મહિલા સન્માન નિધિ’ હેઠળ મહિલાઓને મળતા નાણાં બમણાંથી પણ વધુ એટલે કે, 1000 હજારથી 2100 રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. કેજરીવાલે જણાવ્યું હતું કે, 'હવે મહિલા સન્માન નિધિમાં મહિલાઓને 1000 રૂપિયા મળશે, ચૂંટણી જીત્યા પછી તેને વધારીને 2100 રૂપિયા કરી દેવામાં આવશે.'
કેજરીવાલે અમિત શાહને લખ્યો પત્ર
દિલ્હીમાં ‘મહિલા અદાલત’ યોજવાની જાહેરાત કર્યા પહેલા અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, ‘દિલ્હીમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હીની તમામ ગલીઓમાં બળજબરીથી વસૂલી કરતી ગેંગ અને ગેંગસ્ટર્સ સક્રિય થઈ ગયા છે. આખી રાજધાનીમાં ડ્રગ માફિયાઓ પગ ફેલાવી ચુક્યા છે. મોબાઈલ અને ચેઈન સ્નેચિંગના કારણે દિલ્હીવાસીઓ હેરાન થઈ ગયા છે. વર્તમાન સમયમાં ગુનેગારોને કોઈ ખોફ જ રહ્યો ન હતો, તેમ દિલ્હીના રસ્તાઓ પર ધોડે દિવસે ગોળીબાર, હત્યા, અપહરણ અને ચાકુ મારવાની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે.’
કેજરીવાલે અમિત શાહને પૂછ્યા આ સવાલ
કેજરીવાલે પત્રમાં ગુનાઓના આંકડા પણ ગણાવ્યા છે. તેમણે વખ્યું છે કે, ‘છેલ્લા છ મહિનામાં દિલ્હીમાં 300થી વધુ શાળાઓ-કૉલોજો, 100થી વધુ હોસ્પિટલો, એરપોર્ટ અને મોલને બોંબથી ઉડાવી દેવાની સતત ધમકીઓ મળી રહી છે. દરરોજ ધમકી આપનારાઓને પકડવામાં કેમ આવી રહ્યા નથી? આવી ધમકીઓના કારણે શાળાઓ ખાલી કરાવી બાળકોને ઘરે મોકલી દેવામાં આવે છે. શું તમે વિચારી શકો છો કે, એક બાળક કેવી પરેશાનીનો સામનો કરી રહ્યો છે, તેના માતા-પિતા કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે?
આપે તમામ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)એ દિલ્હીના તમામ 70 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારબાદ આમ આદમી પાર્ટી ભાજપ (BJP) પર એક પછી એક આકરા પ્રહારો કરી રહી છે. ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ કેજરીવાલે કહ્યું કે, ‘ભાજપ ગુમ છે, તેમની પાસે સીએમનો ચહેરો પણ નથી, ટીમ પણ નથી અને દિલ્હી માટે કોઈ વિઝન પણ નથી. તેઓનો માત્ર એક જ નારો છે, એક જ નીતિ છે અને એક જ મિશન છે કે, ‘કેજરીવાલને હટાવો’.