Get The App

શપથવિધિ: દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા આતિશી, નવી કેબિનેટમાં ચાર જૂના મંત્રીઓ સામેલ

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
શપથવિધિ: દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા આતિશી, નવી કેબિનેટમાં ચાર જૂના મંત્રીઓ સામેલ 1 - image


Atishi Takes Oath as Delhi CM : આમ આદમી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને 17 સપ્ટેમ્બરે  નવા મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ જાહેર થઈ ગયું હતું.  આતિશીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં છે. આ સાથે જ ચાર જૂના મંત્રી ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઈમરાન હુસૈન સિવાય કેબિનેટના નવા ચહેરાના રૂપે સુલ્તાનપુર માજરાના ધારાસભ્ય મુકેશ કુમાર અહાવલતે પણ મંત્રી પદની શપથ લીધાં છે. 

મુકેશ અહલાવતના રૂપમાં એક દલિત ચહેરાને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. જો કે, દલિત ચહેરાના રૂપમાં વિશેષ રવિ અને કુલદીપ કુમારના નામ પણ રેસમાં હતા. પરંતુ તેમના બદલે પ્રથમ વખતના ધારાસભ્ય મુકેશને મહત્ત્વ આપવામાં આવ્યું છે. મુકેશે 2020માં આમ આદમી પાર્ટીની ટિકિટ પર સુલ્તાનપુર માજરાથી પ્રથમ વખત દિલ્હીની ચૂંટણી લડી હતી. તેમણે આ ચૂંટણીમાં 48,042 મતોથી જીત હાંસલ કરી હતી. 

સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

કેજરીવાલે રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ એલજી ઓફિસમાંથી બહાર આવ્યા હતા અને તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી. આ દરમિયાન ગોપાલ રાયે કહ્યું કે, ‘અમે ઉપરાજ્યપાલ સમક્ષ આતિશીજીને નવા મુખ્યમંત્રી બનાવવા માટે દાવો રજુ કર્યો છે. આ ઉપરાંત અમે એલજીને શપથગ્રહણની તારીખ પણ નિર્ધારીત કરવાની માંગ કરી છે.’

જેલમાંથી બહાર આવતાં જ કરી મોટી જાહેરાત

તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે સભા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘હું આગામી બે દિવસમાં રાજીનામું આપી દઈશ. હું તમારી અદાલતમાં આવ્યો છું. હવે તમે જ નિર્ણય કરો કોણ સાચું હતું. મનીષ સિસોદિયા પણ મુખ્યમંત્રી નહીં બને.' કેજરીવાલની આ જાહેરાત બાદથી જ દિલ્હીના રાજકારણમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ હતી કે, હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે. ત્યારબાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી આવાસ પર આજે પૉલિટિકલ અફેર્સ કમિટી (PAC) ની બેઠક બોલાવવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા થઈ હતી. જેમાં આતિશીનું નામ નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયું હતું.

મુખ્યમંત્રી તરીકે નામ જાહેર થતાં આતિશીની પ્રતિક્રિયા

દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયેલા આતિશીએ કહ્યું કે હું અરવિંદ કેજરીવાલની આ પદ પર બીજી વખત વાપસી સુધી તેમના માર્ગદર્શનમાં કાર્ય કરીશ. હું ધ્યાન રાખીશ કે દિલ્હીવાસીઓને મફત વીજળી, સારું શિક્ષણ અને મફત સારવાર જેવી સુવિધાઓ મળતી રહે. આતિશીએ પોતાની પહેલી પ્રતિક્રિયામાં ખુશી કરતાં દુ:ખ વ્યક્ત કરવું પડ્યું કે કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું. આ દરમિયાન તેમના ચહેરા પર ઉદાસીનતા સ્પષ્ટ નજર આવી રહી હતી. 



આતિશીએ દિલ્હીના ધારાસભ્યો અને જનતાને અપીલ કરી કે કોઈ મને શુભકામનાઓ ના આપે અને કોઈ હારમાળા પહેરાવે નહીં. આમ આદમી પાર્ટી બાદ પોતે આતિશીએ પણ સ્પષ્ટ કર્યું કે તે આ સરકારનો કાર્યકાળ પૂરો થવા સુધી જ મુખ્યમંત્રી રહેશે અને નવી ચૂંટણી બાદ જો પાર્ટીના પક્ષમાં જનાદેશ આવે છે તો કેજરીવાલ જ મુખ્યમંત્રી હશે. 


Google NewsGoogle News