હરિયાણા ચૂંટણી માટે આપની 21 ઉમેદવારની યાદી જાહેર, જાણો વિનેશ ફોગાટ સામે કોને ટિકિટ આપી
Haryana AAP Candidates List: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 21 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી દીધી છે. આ ચૂંટણી માટે આમ આદમી પાર્ટી તરફથી કુલ 61 ઉમેદવારોના નામ પર મહોર લાગી ગઈ છે. AAPએ પોતાની નવી યાદીમાં એક મહિલા રેસલરને પણ ટિકિટ આપી છે. જુલાના બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર વિનેશ ફોગાટ સામે આમ આદમી પાર્ટીએ WWEની રેસલર કવિતા દલાલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
21 ઉમેદવારોની ચોથી યાદી જાહેર
આમ આદમી પાર્ટીએ અંબાલા કેન્ટથી રાજ કૌર ગિલ, યમુના નગરથી લલિત ત્યાગી, લાડવાથી જોગા સિંહ, કૈથલથી સતબીર ગોયત, કરનાલથી સુનિલ બિંદલ, પાણીપત ગ્રામીણથી સુખબીર મલિક, ગાનૌરથી સરોજ બાલા રાઠી, સોનીપતથી દેવેન્દ્ર ગૌતમ, ગોહાનાથી શિવકુમાર રંગીલા અને બરોદાથી સંદીપ મલિકને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
બીજી તરફ જુલાનાથી કવિતા દલાલ, સફીદોનથી નિશા દેશવા, તોહાનાથી સુખવિંદર સિંહ ગિલ, કાલાંવલીથી જસદેવ નિક્કા, સિરસાના શામ મહેતા, ઉકલાનાથી નરેન્દ્ર ઉકલાના, નારોંદથી રાજીવ પાલી, હંસીથી રાજેન્દ્ર સોરખી, હિસારથી સંજય સતરોદિયા, બાદલીથી હેપ્પી લોહચાબ અને ગુડગાંવ બેઠક પરથી નિશાંત આનંદને ટિકિટ આપવામાં આવી છે.
29 બેઠકો પર ઉમેદવારોનું એલાન બાકી
તમને જણાવી દઈએ કે હરિયાણા વિધાનસભા માટે 5 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને 8 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી 61 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. એક દિવસ પહેલા મંગળવારે પાર્ટીએ ત્રીજી યાદી બહાર પાડી હતી. જેમાં 11 નામો ફાઈનલ કરવામાં આવ્યા હતા. જ્યારે પ્રથમ યાદીમાં 20 નામો અને બીજી યાદીમાં 9 નામો ફાઈનલ કરવામાં આવ્યા હતા. આ સાથે જ હરિયાણાની કુલ 90 વિધાનસભા બેઠકોમાંથી 61 બેઠક પર ઉમેદવારો ઉતારી દેવામાં આવ્યા છે. હવે પાર્ટીને 29 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે.