'આ તેમનો અધિકાર છે': કેજરીવાલ માટે આમ આદમી પાર્ટીએ 'સરકારી રહેઠાણ'ની કરી માગ
Image Source: Twitter
Aam Aadmi Party: આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પાસે પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ માટે સરકારી રહેઠાણની માગ કરી છે. AAP નેતા રાઘવ ચઢ્ઢાએ ચૂંટણી પંચના નિયમનો હવાલો આપતા કેજરીવાલ માટે રહેઠાણની માગ કરી છે. તેમણે કહ્યું કે, વિલંબ કર્યા વિના રાષ્ટ્રીય પાર્ટી AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સરકારી રહેઠાણ આપવું જોઈએ.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, 'ચૂંટણી પંચના નિયમો હેઠળ કોઈપણ રાષ્ટ્રીય પાર્ટીને બે સુવિધાઓ આપવામાં આવે છે. જેમાં રાષ્ટ્રીય કાર્યાલય પ્રથમ નંબરે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકને સરકારી રહેઠાણ પણ આપવામાં આવે છે. તેથી અમે કેન્દ્ર સરકાર પાસે માગ કરીએ છીએ કે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સરકારી રહેઠાણ આપવામાં આવે.
પહેલા ગાઝિયાબાદના કૌશામ્બીમાં રહેતા હતા કેજરીવાલ
ડિસેમ્બર 2013માં પ્રથમ વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા એ પહેલા કેજરીવાલ ગાઝિયાબાદના કૌશામ્બી વિસ્તારમાં રહેતા હતા. મુખ્યમંત્રી તરીકે તેઓ મધ્ય દિલ્હીમાં તિલક લેન સ્થિત ઘરમાં રહી રહ્યા હતા. ફેબ્રુઆરી 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) પ્રચંડ બહુમત સાથે સત્તામાં આવ્યા બાદ તેઓ ઉત્તર દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં 6, ફ્લેગસ્ટાફ રોડ સ્થિતિ આવાસમાં રહેવા જતા રહ્યા હતા.
આવતી કાલે દિલ્હીના નવા CM પદના શપથ ગ્રહણ કરી શકે છે આતિશી
તમને જણાવી દઈએ કે, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કેજરીવાલના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના વિધાયક દળે તેમના સ્થાને આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા. કેજરીવાલે પોતાનું રાજીનામું દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને સોંપ્યું હતું. આ સાથે આતિશીએ એલજીને એક પત્ર પણ સુપરત કર્યો હતો જેમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. રાજીનામું અને પત્ર ઉપરાજ્યપાલે રાષ્ટ્રપતિને મોકલ્યો હતો. જો કે આતિશીએ શપથ ગ્રહણ માટે કોઈ તારીખ માગી ન હતી પરંતુ દિલ્હીના ઉપરાજ્યપાલે નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણની તારીખ તરીકે 21 સપ્ટેમ્બરનો પ્રસ્તાવ મૂક્યો હતો. મતલબ કે આવતીકાલે આતિશી દિલ્હીના નવા સીએમ પદના શપથ ગ્રહણ લઈ શકે છે.