પહેલા પતિથી અલગ રહેતી મહિલા બીજા પતિથી ગુજરાન ભથ્થું માગવાની હકદાર : સુપ્રીમ કોર્ટ
Alimony from Second Husband: હાલમાં જ સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય આપ્યો છે, જે મહિલાઓના અધિકારો સાથે જોડાયેલો છે. કોર્ટે કહ્યું છે કે એક મહિલા, જે તેના પહેલા પતિથી અલગ થઇ ગઈ છે, તેને બીજા પતિ પાસેથી ભરણપોષણ મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે, પછી ભલે તેના પ્રથમ લગ્ન કાયદાકીય રીતે સમાપ્ત ન થયા હોય. આ નિર્ણયમાં કોર્ટે એમ પણ કહ્યું કે જો મહિલા અને પહેલો પતિ પરસ્પર સહમતિથી અલગ થઈ ગયા હોય તો કાયદાકીય રીતે છૂટાછેડા ન થયા હોય તો પણ મહિલા બીજા પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે.
તેલંગાણા હાઈકોર્ટે આપ્યો હતો આ ચૂકાદો
આ મામલો તેલંગાણા હાઈકોર્ટના આદેશથી સંબંધિત હતો, જેમાં મહિલાને તેના બીજા પતિ પાસેથી ભરણપોષણ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે સીઆરપીસીની કલમ 125ના આધારે આ નિર્ણય આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મહિલાએ કાયદેસર રીતે તેના પ્રથમ લગ્નનો અંત કર્યો નથી, તેથી તે બીજા પતિ પાસેથી ભરણપોષણ મેળવી શકતી નથી.
મહિલાનો અધિકાર કોઈપણ સંજોગોમાં નકારી શકાય નહીં: SC
પરંતુ, હવે સુપ્રીમ કોર્ટે આ આદેશને ફગાવ્યો છે અને મહિલાની અપીલ સ્વીકારી લીધી છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચે આ કેસની સુનાવણી કરી અને મહિલાની તરફેણમાં ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મહિલાનો અધિકાર છે અને તેને કોઈપણ સંજોગોમાં નકારી શકાય નહીં.
શું હતો સમગ્ર મામલો?
અરજદાર મહિલાએ તેના પહેલા પતિથી ઔપચારિક છૂટાછેડા લીધા વિના બીજા પુરુષ સાથે લગ્ન કર્યા હતા. મહિલાના બીજા પતિને તેના પહેલા લગ્ન વિશે સંપૂર્ણ જાણકારી હતી. બંનેને એક બાળક પણ હતું, પરંતુ બાદમાં તેમની વચ્ચે મતભેદ વધી ગયો અને તેમના સંબંધો તૂટી ગયા. હવે મહિલાએ સીઆરપીસીની કલમ 125 હેઠળ ભરણપોષણની માંગ કરી હતી, જેને ફેમિલી કોર્ટે સ્વીકારી હતી.
પરંતુ મામલો હાઈકોર્ટમાં પહોંચતા કોર્ટે ફેમિલી કોર્ટના આદેશને રદ્દ કર્યો હતો. હાઈકોર્ટે દલીલ કરી હતી કે મહિલાના પ્રથમ લગ્ન કાયદેસર રીતે સમાપ્ત ન થયા હોવાથી તે તેના બીજા પતિ પાસેથી ભરણપોષણ મેળવી શકતી નથી.
આ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય
સુપ્રીમ કોર્ટે આ મામલામાં પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે મહિલાના બીજા પતિને તેના પહેલા લગ્ન વિશે સંપૂર્ણ જાણકારી હતી અને આ કારણોસર તે ભરણપોષણ ચૂકવવાનો ઇનકાર કરી શકે નહીં. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ફેમિલી કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે મહિલાના પહેલા પતિ સાથે સમજૂતી થઈ હતી, જેનાથી બંને વચ્ચેના સંબંધોનો અંત આવ્યો હતો. જો કે, આ કરાર છૂટાછેડાનો કાનૂની પુરાવો નથી, પરંતુ તે સાબિત કરે છે કે બંને વચ્ચે કોઈ સંબંધ નથી.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે મહિલા પહેલા પતિ પાસેથી ભરણપોષણની માંગણી કરતી નથી અને તેથી જ તે બીજા પતિ પાસેથી ભરણપોષણ મેળવવાની હકદાર છે. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે કાયદાની ગેરહાજરીમાં પણ મહિલાની સ્થિતિને નજરઅંદાજ કરી શકાતી નથી અને તેને તેનો અધિકાર મળવો જોઈએ.