મહિલાએ ચાલુ કોર્ટમાં પોતાનું 13 મહિનાનું બાળક જમીન પર પછાડયું
- એમપીમાં ભરણપોષણ મળવામાં મોડું થતા મહિલા ગુસ્સે ભરાઇ હતી
- ઇરાદાપૂર્વક બાળકને જમીન પર પછાડવું હત્યાના પ્રયાસનો ગુનો, ફરિયાદ રદ કરવાની માગ હાઇકોર્ટે ફગાવી
ઇંદોર : મધ્ય પ્રદેશમાં એક મહિલાએ ભરણપોષના કેસની સુનાવણી ચાલી રહી હતી ત્યારે ચાલુ કોર્ટમાં પોતાના માત્ર ૧૩ મહિનાના બાળકને જમીન પર પછાડયું હતું. ઇરાદા પૂર્વક મહિલાએ આ કૃત્ય કર્યું હતું. આ મામલે હવે હાઇકોર્ટે કહ્યું હતું કે બાળકને જમીન પર ઇરાદાપૂર્વક ફેંકવું હત્યાના પ્રયાસના અપરાધ બરાબર ગણાય. અમે ફરિયાદ રદ કરવાનો આદેશ નહીં આપીએ.
ભારતી પટેલ નામની મહિલાએ પતિ પર ભરણપોષણનો દાવો કર્યો હતો, જેની સુનાવણી દરમિયાન કોર્ટમાં ચાલુ કાર્યવાહી વચ્ચે જજની સામે જ ભારતીએ પોતાની પાસે રહેલુ માત્ર ૧૩ મહિનાનું બાળક નીચે ફેંકી દીધુ હતું, મહિલાનો રૌદ્ર સ્વરુપ જોઇને જજ પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. બાદમાં આ મામલે ભારતી પટેલ સામે વર્ષ ૨૦૨૨માં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો હતો.
મહિલા દ્વારા બાદમાં પોતાની સામે દાખલ એફઆઇઆર રદ કરવાની માગણી સાથે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જોકે હાઇકોર્ટના ન્યાયાધીશ ગુરપાલસિંહ અહલૂવાલિયાએ કહ્યું હતું કે કોર્ટના રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે કે મહિલાએ પોતાની મુશ્કેલીઓ માટે બાળકને જવાબદાર ઠેરવ્યંુ હતું અને સાથે જ હું બાળકને મારી નાખીશ એવુ કહીને તેના પર પેપરવેટ ફેંક્યું હતું, જોકે બાળક માંડ બચી ગયું.
મહિલાનો ભરણપોષણનો કેસ ચાલી રહ્યો હતો ત્યારે કોર્ટે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે હાલ જ તારો પતિ જેલમાંથી બહાર આવ્યો છે, તેને ભરણપોષણ માટે રૂપિયાની વ્યવસ્થા કરવા માટે થોડો સમય આપવો જોઇએ, જોકે મહિલા આ સાંભળીને ગુસ્સે ભરાઇ ગઇ અને બાળકને નીચે ફેંકી દીધું. હાલ હાઇકોર્ટે મહિલાની સામે દાખલ ફરિયાદને રદ કરવાની ના પાડી દીધી હતી.