Get The App

મુંબઈમાં હિટ એન્ડ રનઃ લક્ઝુરિયસ કારે સ્કૂટીને ટક્કર મારતા મહિલાનું મોત, શિવસેના નેતાની અટકાયત

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
accident


Mumbai Hit And Run Case : આજે (7 જુલાઈ) મુંબઈમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં સ્કૂટી લઈને જતાં એક દંપતીનું BMW કાર ચાલકે ટક્કર લગાવતાં દંપતીમાંથી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કાર ચાલક ભાગી ગયો હોવાથી સમગ્ર ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, BMW લઈને આવેલો યુવક સિવસેના પાર્ટીના નેતાનો પુત્ર હતો. જોકે, પોલીસે અકસ્માતને અંજામ આપનાર યુવકના પિતા અને સિવસેના પાર્ટીના પાલઘર જિલ્લાના નેતા રાજેશ શાહના નામથી કાર રજીસ્ટર હોવાથી કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતા.

ગંભીર ઈજાઓ થતાં મહિલાનું સારવાર દરમિયાન મોત

મુંબઈના વર્લી વિસ્તારમાં આવેલા એક મોલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં માછીમારનો ધંધો કરતા દંપની પ્રદીપ નખવા અને કાવેરી નખવા પોતાની સ્કૂટી લઈને માછલી ખરીદવા માટે ગયા હતાં. આ દરમિયાન ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે BMW કારે પાછળથી આવીને તેમની સ્કૂટીને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, જેમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. બીજી તરફ, મહિલાના પતિની સારવાર ચાલી રહી છે. 

પોલીસે કારમાલિક શિવસેનાના નેતાને કસ્ટડીમાં લીધા

પોલીસના જણાવ્યાં અનુસાર, સ્કૂટી લઈને જઈ રહેલા પતિ-પત્નીને પાછળથી ટક્કર મારનાર કાર ચાલક મિહિર શાહ દંપતીની સ્કૂટીને ટક્કર મારી ભાગી ગયો હતો. મિહિરની બાજુ વાળી સીટ પર ડ્રાઈવર બેઠો હતો. કારની નંબર પ્લેટ કાઢી નાખેલી હતી. આ ઘટનાને અંજામ આપનાર મિહિરના પિતા પાલઘર જિલ્લાના એકનાથ શિંદેની નેતૃત્વ વાળી શિવસેના પાર્ટીના નેતા છે. BMW કાર પિતા રાજેશ શાહના નામે રજિસ્ટર્ડ હોવાથી પોલીસે કારમાલિકને કસ્ટડીમાં લઈને કાર્યવાહી હાથ ધરી હતી. 

ઘટના અંગે એકનાથ શિંદેની પ્રતિક્રિયા

મુંબઈના હિટ એન્ડ રન કેસને લઈને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, કાયદા સામે દરેક વ્યક્તિ સમાન છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હિટ એન્ડ રન કેસને અંજામ આપનાર કોઈને બક્ષવામાં આવશે નહીં.

100 મીટર સુધી બોનેટ પર રહી મહિલા 

પોલીસે અકસ્માત થયેલા સ્થળ નજીકનાં કેમેરા ચકાસતા સામે આવ્યું હતું કે, સફેદ રંગની એક BMW કાર ચાલક પૂર ઝડપે આવીને સ્કૂટી પર સવાર દંપતીને ટક્કર મારીને ભાગી ગયો હતો. તેવામાં અકસ્માત સમયે મહિલા સ્કૂટી પરથી કારના બોનેટ પર જઈને પડી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ મહિલા 100 મીટર સુધી બોનેટ પર પડી રહી હતી. 

મુંબઈમાં બે અકસ્માતમાં ત્રણના મોત

થોડાક દિવસ પહેલા પૂણેમાં એક સગીરે પોતાના પોર્શ કારથી બાઈક લઈને જતાં યુવક-યુવતીને ટક્કર મારતાં બંનેના મોત નીપજ્યાં હતાં. બંને યુવક અને યુવતી પૂણેની એક આઈટી કંપનીમાં નોકરી કરતાં હતા. આ સિવાય, 29 જૂનની સવારે અંધેરી ઈસ્ટ ફ્લાઈઓવર ખાતે અકસ્માત સર્જાયો હતો. જેમાં BMS ના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિવેક અને અમન યાદવ અંધેરી ઈસ્ટ ફ્લાયઓવરથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે એક પિકઅપ ડ્રાઈવરે તેમને ટક્કર મારતાં એકનું મોત થયું હતું. જેમાં પોલીસ દ્વારા પિકઅપ ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી હતી.


Google NewsGoogle News