યુવકો દ્વારા હાથીને ચપ્પલથી ડરાવતો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ, યુઝર્સે રોષ ઠાલવ્યો
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 11 ડિસેમ્બર 2023 સોમવાર
ઈન્ટરનેટ પર ઘણી વખત જાનવરો સાથે જોડાયેલા વીડિયો સામે આવતા રહે છે, જેમાંથી અમુક ચોંકાવનારા હોય છે તો અમુક હૃદયસ્પર્શી હોય છે પરંતુ તાજેતરમાં જ વાયરલ થયેલા હાથીના વીડિયોના કારણે તમને ગુસ્સો આવી શકે છે. આ વાયરલ વીડિયોમાં યુવકોનું એક જૂથ એક હાથીને ચપ્પલ દેખાડીને ઉશ્કેરતુ નજર આવી રહ્યુ છે. આ દરમિયાન યુવકોની આ હરકતથી ગુસ્સે ભરાયેલો હાથી માંડ-માંડ નીચે પડવાથી બચતો નજર આવે છે.
IFS ઓફિસર રોષે ભરાયા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર આ વીડિયોને એક IFS ઓફિસરે શેર કર્યો છે, જેના કેપ્શનમાં લખ્યુ છે, અહીં અસલી જાનવરની ઓળખ કરો, પછી તેમણે આરોપ લગાવ્યો અને તેમને હત્યારા કહ્યા. આવુ ક્યારેય ન કરો, આ જીવન માટે જોખમી છે. વીડિયો આસામનો છે. એક મિનિટ 10 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધી 92 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે જ્યારે એક હજારથી વધુ લોકો આ વીડિયોને લાઈક કરી ચૂક્યા છે.
યુવકોએ હાથીને ચપ્પલથી ડરાવ્યો
વીડિયોમાં એક હાથી પહાડની ઉપર ઊભેલો નજર આવી રહ્યો છે. આ દરમિયાન યુવકોનું એક જૂથ હાથીને ઉશ્કેરતુ નજર આવી રહ્યુ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે યુવકોનું જૂથ હાથમાં ચપ્પલ લઈને હાથીને ઉશ્કેરી રહ્યા છે અને તેને ડરાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે. યુવકોની આ હરકતને જોઈને હાથી પણ ગુસ્સે ભરાય છે પરંતુ તે પાછળ હટતો દેખાય છે, પરંતુ તેમ છતાં યુવકોનું ટોળુ હાથીને પરેશાન કરી રહ્યા છે. જોઈ શકાય છે કે હુમલા દરમિયાન હાથી નીચે પડવાથી માંડ-માંડ બચતો નજર આવે છે. આ વીડિયો પર યુઝર્સ જાતભાતની પ્રતિક્રિયાઓ આપતા યુવકોની આ હરકત પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.