સારા વરસાદ માટે દેડકા- દેડકીના લગ્ન કરાવવાની અનોખી પરંપરા
દેડકાના ગળામાં હાર પહેરાવી મહિલાઓ ગીતો ગાય છે
લગ્ન પછી દેડકા-દેડકીને પાણીમાં છોડવામાં આવે છે
અગરતલા, 12 જૂન,2024, બુધવાર
ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી સારા ચોમાસાનું ખૂબ મહત્વ છે. સિંચાઇ માટે બોર, કુવા અને નહેરની સુવિધા હોયતો પણ ચોમાસાના વરસાદ વિના ખેતીનો બેડો પાર થતો નથી. વરસાદ સારો થાય એ માટે ગ્રામીણ સમાજમાં અનેક માન્યતાઓ અને વિધીઓ જોવા મળે છે. લોકો વરસાદના વરતારા માટે સદીઓ જુની પધ્ધતિ અપનાવે છે. ધાર્મિક અનુષ્ઠાનો અને વ્રત તપ પણ કરતા થતા જોવા મળે છે પરંતુ વરસાદ માટે દેડકા અને દેડકીના લગ્ન કરવાની પરંપરા મધ્યપ્રદેશ અને આસામના ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે.
અસમ ઉપરાંત ત્રિપુરામાં દેડકા-દેડકીના લગ્નથી ઇન્દ્ર રાજા ખૂશ થાય છે એવી માન્યતા છે. લોકો જયારે ઇન્દ્રદેવને વરસાદ આપવા વિનંતી કરી ત્યારે ખુદ ઇન્દ્ર દેવે આ વિધી કહી હોવાની માન્યતા છે. અસમી ભાષામાં તેને બેખુલી બ્યાહ કહેવામાં આવે છે. બેખૂલીનો મતલબ દેડકો અને બ્યાહ એટલે લગ્ન. વરસાદની સિઝનમાં જ નર માંદા દેડકીનું મિલન થાય છે. દેડકો પ્રસન્ન થઇને ઇન્દ્રરાજાને વરસાદની વિનંતી કરે એ પછી જ વરસાદનું આગમન થાય છે. આ એક એવા લગ્નમાં પરંપરા મુજબ દેડકા અને દેડકીને નવડાવવામાં આવે છે.
લગ્નવિધી સમયે દેડકા -દેડકી પર લાલ રંગનું કપડુ ઓઢાડવામાં આવે છે જે તેના વિવાહનું પ્રતિક ગણાય છે. માંદા દેડકાના ગળામાં હાર પણ પહેરાવવામાં આવે છે. બ્રાહ્મણ દ્વારા દેડકા દેડકીના લગ્નની વિધી અને સમગ્ર કાર્યક્રમ ૩ થી ૪ કલાક સુધી ચાલે છે. લગ્ન થયા પછી આ નવ વિવાહિત જોડાને પાણીમાં છોડવામાં આવે ત્યારે મહિલાઓ મંગલ ગીતો ગાય છે.લોકો હર્ષોલ્લાસથી એક બીજાને અભિૅનંદન આપે છે. લોકો રાત્રેે ભોજન સમારંભ,લોકસંગીત અને નૃત્યનો આનંદ માણે છે. દેડકા દેડકીના લગ્નમાં આબાલ વૃદ્ધ સૌ ભાગ લે છે ને સૌ ભેગા મળીને અનોખા લગ્નનો ખર્ચ ઉઠાવે છે.