પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસની અનોખી બેબી શાવર વિધી, સ્ટાફે આપ્યા આશિર્વાદ
કયારેય ના જોયો હોય તેવો પોલીસનો એક સકારાત્મક સામાજિક ચહેરો
આ કાર્યક્રમમાં પોલીસ સ્ટેશનનો સ્ટાફ એક પરિવાર બનીને ઉભો રહયો
ભોપાલ,૨૧ નવેમ્બર,૨૦૨૪,ગુરુવાર
પોલીસ સ્ટેશનમાં લોકો ફરિયાદ નોંધાવવા અને સુરક્ષા માટે જાય છે પરંતુ મધ્યપ્રદેશના રતલામ પોલીસ સ્ટેશનમાં એક મહિલા પોલીસની સિમંતની અનોખી વિધી યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોલીસ સ્ટેશનનો સ્ટાફ એક પરિવાર બનીને ઉભો રહયો હતો. થાણામાં ટીઆઇએ પિતાની ભૂમિકા ભજવી હતી. દીનદયાલનગર થાના પરિસર વિસ્તાર શણગારીને માંગલિક સમારોહ ઉભો કરવામાં આવ્યો હતો.
આ આયોજન પોલીસ અને લોક સમુદાય વચ્ચેનું અંતર ઓછું કરશે એટલું જ નહી સકારાત્મક છબી તરીકે રજૂ કરે છે. જેની ગોદ ભરાઇ રશ્મ થઇ તેનું નામ શાનૂ છે જે ધાર જિલ્લાના ગંધવાની નિવાસી છે જે રતલામમાં સેવા આપી રહી છે. તેના સાસુ સસરા દૂર રહેતા હતા. પતિ મોહન ધારવે પણ ડયૂટીના લીધે હાજર રહી શકયા ન હતા.
આ કાર્યક્રમથી એવો મેસેજ ગયો હતો કે પોલીસ માત્ર કાનુનના રક્ષક જ નથી તે સામાજિક જવાબદારી પણ નિભાવે છે. સિમંતની વિધી દરમિયાન મહિલા કોન્સ્ટેબલોએ સમગ્ર રશ્મ નિભાવી ત્યારે ભાવૂક દ્વષ્યો સર્જાયા હતા. કયારેય ના જોયો હોય તેવો એક સકારાત્મક ચહેરો અને સામાજિક ઉત્તરદાયિત્વનો પોલીસે પરિચય આપ્યો હતો.