સાચો 'સેવક' ક્યારેય અહંકારી ન હોઈ શકે : ભાગવત
- લોકસભા ચૂંટણીમાં બંને તરફના રાજકીય પક્ષોએ મર્યાદા ગુમાવી
- લોકસભા ચૂંટણીના પરિણામો ભાજપના અતિવિશ્વાસુ કાર્યકરો અને નેતાઓ માટે રિયાલિટી ચેક : સંઘના મુખપત્રમાં દાવો
- ભાજપના નેતાઓ મોદીના વ્યક્તિત્વની ચકાચોંધમાં ડૂબી ગયા, તેથી જનતાનો અવાજ સાંભળી શક્યા નહીં
- આરએસએસ ભાજપની 'ફિલ્ડ ફોર્સ' નથી, ચૂંટણીમાં અનુભવી સ્વયંસેવકોની અવગણના કરાઈ
નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને બહુમત વિના સતત ત્રીજી વખત મોદી સરકારની રચના પણ થઈ ગઈ છે, જેના માટે તેણે સાથી પક્ષોનો સાથ લેવો પડયો છે. આવા સમયમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું કે, સાચો 'સેવક' ક્યારેય અહંકારી હોઈ શકે નહીં અને સાચા સેવકે મર્યાદા સાથે લોકોની સેવા કરવી જોઈએ. વધુમાં આરએસએસના મુખપત્ર પાંચજન્યમાં ભાજપ કાર્યકરોની આકરી ટીકા કરતા જણાવાયું હતું કે, લોકસભા ચૂંટણીના આ પરિણામ ભાજપના અતિઉત્સાહિ કાર્યકરો અને નેતાઓ માટે રિયાલિટી ચેક છે, જે તેમની જ દુનિયામાં મગ્ન હતા અને પીએમ મોદીના વ્યક્તિની ચકાચોંધમાં ડૂબેલા હતા. આ કારણે જ સામાન્ય જનતાનો અવાજ તેમના સુધી પહોંચી શક્યો નહીં.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું કે, જે વાસ્તવિક સેવક હોય, જેને વાસ્તવિક સેવક કહી શકાય તે મર્યાદાથી ચાલે છે. તે મર્યાદાનું પાલન કરીને જે ચાલે છે તે કર્મ કરે છે, પરંતુ કર્મમાં લિપ્ત નથી થતો. તેમાં અહંકાર નથી આવતો કે આ મેં કર્યું. અને તેને જ સેવક કહી શકાય. સાચો જનસેવક એ જ છે જે અહંકાર બતાવતો નથી. ચૂંટણી પૂરી થઈ ગઈ, પરિણામ આવી ગયા અને સરકાર પણ બની ગઈ, પરંતુ તેની ચર્ચા હજુ સુધી ચાલી રહી છે, જે થયું તે કેમ થયું.
દરમિયાન લોકસભા ચૂંટણી પરિણામો અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આકરી ટીપ્પણી કરી છે. સંઘે કહ્યું કે, લોકસભા ચૂંટણીના આ પરિણામ ભાજપના અતિ ઉત્સાહિ કાર્યકરો અને નેતાઓ માટે રિયાલિટી ચેક છે, જે પોતાની જ દુનિયામાં મગ્ન હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વની ચકાચોંધમાં ડૂબેલા હતા. આ જ કારણે તેમના સુધી સામાન્ય જનતાનો અવાજ પહોંચી શક્યો નહી.સંઘના મુખપત્ર ઓર્ગેનાઈઝરના તાજા અંકમાં જણાવાયું છે કે સંઘ ભાજપની 'ફિલ્ડ ફોર્સ' નથી. આ ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે એવા અનુભવી સ્વયંસેવકોની અવગણના કરવામાં આવી, જેમણે સોશિયલ મીડિયાના આ સમયમાં ફેમની લાલસા વિના અથાક પરિશ્રમ કર્યો છે.
સંઘના સભ્ય રતન શારદાએ આ લેખમાં કહ્યું છે કે વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના પરિણામ ભાજપના અતિઉત્સાહી કાર્યકરો અને અનેક નેતાઓ માટે રિયાલિટી ચેક હતા. તેમને ખ્યાલ જ નહોતો કે વડાપ્રધાન મોદીનો ૪૦૦ પારનો નારો તેમના માટે લક્ષ્ય અને વિપક્ષ માટે પડકારજનક હતો. આ ચૂંટણીમાં ભાજપને ૨૪૦ બેઠકો મળી છે, જે બુહમતથી ઓછી છે, પરંતુ એનડીએ ૨૯૩ બેઠકો સાથે બહુમત હાંસલ કરવામાં સફળ થયો છે. શારદાએ લખ્યું કે, ચૂંટણી મેદાનમાં મહેનતથી લક્ષ્યો હાંસલ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પોસ્ટર અથવા સેલ્ફી શૅર કરીને નહીં. આ કારણે જ તેઓ પોતાની જ દુનિયામાં મગ્ન હતા. વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાના બળ પર જ આનંદ માણી રહ્યા હતા. એવામાં તેમણે સામાન્ય માણસનો અવાજ સાંભળ્યો નહીં.
મહારાષ્ટ્રમાં બિનજરૂરી રાજકીય કાવાદાવાના કારણે ભાજપની હાલત ખરાબ થઈ
નાગપુર : સંઘના મુખપત્રમાં ચૂંટણીમાં ભાજપના અન્ડર પરફોર્મ માટે અનાવશ્યક રાજકારણને એક કારણ ગણાવ્યું. આ લેખમાં કહેવાયું કે મહારાષ્ટ્ર અનાવશ્યક રાજકારણનું એક પ્રમુખ ઉદાહરણ છે. ભાજપે ધીરજ રાખી નહીં અને સત્તા માટે અજિત પવારના નેતૃત્વમાં એનસીપીના જૂથનો સરકારમાં સમાવેશ કરી લીધો. જોકે, ભાજપ અને શિવસેના પાસે બહુમત હતો ત્યારે શરદ પવારનું પ્રભુત્વ બે-ત્રણ વર્ષમાં ખતમ થઈ જાત કારણ કે એનસીપી આંતરિક ઘર્ષણનો સામનો કરી રહ્યું હતું.
મહારાષ્ટ્રમાં ભાજપનો દેખાવ સારો નથી રહ્યો, કારણ કે તે ૨૦૧૯ની ચૂંટણીની સરખામણીમાં માત્ર નવ બેઠકો જ જીતી શક્યો. શારદાએ કોઈ નેતાનું નામ લીધા વિના કહ્યું કે, ભાજપમાં એવા કોંગ્રેસી નેતાઓનો સમાવેશ કરાયો, જેમણે 'ભગવા આતંક'ની વાતો કરી હતી અને ૨૬-૧૧ને 'આરએસએસનું કાવતરું' ગણાવ્યું હતું. આરએસએસને આતંકી સંગઠન કહ્યુું હતું. તેનાથી આરએસએસના સમર્થકોને ઘણી ઠેસ પહોંચી હતી.
ઘરમાં કોઇ મર્યાદા ચૂકે તો મોહનજીને બોલવાનો હક છે
ભાગવત અમારા માટે પિતા તુલ્ય, કંઈ પણ કહી શકે: ભાજપના મંત્રી
- ચૂંટણીમાં બેફામ પ્રચાર સહિતની ભાગવતની ટીકાથી ભાજપના વર્તુળોમાં ભારે ચર્ચા
પૂણે : સરકારે ચૂંટણીમાંથી પરવારી દેશની સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર છે તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે નાગપુરમાં રેશીમબાગ ખાતે યોજાયેલાં કાર્યકર્તા વિકાસ વર્ગ દ્વિતિયમાં ભાગ લઇ રહેલાં તાલીમાર્થીઓને સંબોધતાં જણાવ્યું તે અંગે પ્રતિભાવ આપતાં મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન અને ભાજપના નેતા ચન્દ્રકાન્ત પાટીલે મોહન ભાગવતને પાલક ગણાવતાં કહ્યું હતું કે કશું અનિચ્છનીય બને તો તેમને બોલવાનો અધિકાર છે તેમ જણાવ્યું હતું.
સંઘના વડાઅ તાલીમાર્થીઓને શિખામણ આપતાં જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચાર દરમ્યાન રાજકીય પક્ષોએ એકમેકનું ગૌરવ જાળવ્યું નથી અને સમુદાયો પર કેવું પરિણામ થશે તેની પરવા કર્યા વિના એકબીજા માટે હલકાં શબ્દો વાપર્યા છે. ભાગવતની ટીકાથી ભાજપના વર્તુળોમાં ભારે ચર્ચા થઈ રહી છે.
આ વિશે પૂછાતાં પાટીલે જણાવ્યું હતું કે તેઓ ત્રણ દિવસથી પ્રવાસ કરી રહ્યા હોઇ તેમને ભાગવતે શું કહ્યું તેની જાણ નથી પણ મોહનજી અમારે માટે પિતા સમાન છે. અને જો ઘરમાં કશું અનિચ્છનીય બને તો તેમને બોલવાનો અધિકાર છે. આમ તેમણે પાલક તરીકે કશું કહ્યું હોય તો તે તેમનો અધિકાર છે.
ચૂંટણીના પરિણામો અંગે પ્રતિભાવ આપતાં પાટીલે જણાવ્યું હતું કે ભાજપ ચૂંટણીના પરિણામોની સાપેક્ષે તેના દેખાવનું રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે વિશ્લેષણ કરશે. અમે આવું એનાલિસીસ કરી ભૂલ સુધારવાની પ્રથા પાડેલી છે. સંસદમાં ૧૯૮૪માં અમારી બે બેઠકો હતી તેમાંથી અમે ૨૦૧૯માં ૩૦૩ બેઠકો મેળવી હતી. આ વખતે અમને ૨૦૧૯ની સરખામણીએ ઓછી બેઠકો મળી છે તેનો અર્થ એ નથી કે બધું પુરૂ થઇ ગયું.
ભાજપના પ્રમુખપદે વિનોદ તાવડેનું નામ ચર્ચાઇ રહ્યું હોવા બાબતે પાટીલે જણાવ્યું હતું ક તેમના માટે વિવિધ વિકલ્પો ચર્ચવામાં આવી રહ્યા છે અને તેમને કોઇપણ હોદ્દો મળશે તેઓ મોટા નેતા બનવાના જ છે અને તેનો મને આનંદ હશે.