Get The App

ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડમાં વીજળી પડતાં કુલ 71નાં મોત નીપજ્યાં

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડમાં વીજળી પડતાં કુલ 71નાં મોત નીપજ્યાં 1 - image


- ઉત્તરાખંડ, હિમાચલ સહિત ઉત્તર ભારતમાં યલો એલર્ટ જાહેર

- દિલ્હીના બવાનામાં અડધી રાતે મુનક નહેત તૂટતા જેજે કોલોની વિસ્તાર વગર વરસાદે જળબંબાકાર થયો, 14 દિવસથી નહેર લીક થતી હોવાનો વીડિયો વાયરલ

નવી દિલ્હી : દેશમાં પર્વતોથી લઈને મેદાની વિસ્તાર સુધીમાં ચોમાસુ પહોંચી ગયું છે. અનેક રાજ્યોમાં હળવાથી લઈને મૂશળધાર વરસાદે લોકોને મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધા છે. આવા સમયે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં વીજળી પડવાના કારણે કુલ ૭૧ લોકોનાં મોત નીપજ્યાં છે. આ રાજ્યોમાં પૂરની સ્થિતિએ સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું છે. બીજીબાજુ દિલ્હીમાં વગર વરસાદે જેજે કોલોની વિસ્તાર બુધવારે અડધી રાતે જળબંબાકાર થઈ ગયો હતો. લોકો ઊંઘમા હતા તેવા સમયે જ પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયું હતું.

ઉત્તર ભારતમાં વરસાદે ભારે કેર મચાવ્યો છે. ઉત્તર પ્રદેશમાં પૂર, વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ઉત્તર પ્રદેશમાં વિવિધ સ્થળો પર વીજળી પડવાની ઘટનામાં બાવન લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં છેલ્લા બે દિવસમાં વરસાદ હળવો થતાં નદીઓમાં પાણીનો પ્રવાહ ધીમો થયો છે. જોકે, સરયુ, ઘાઘરા અને રાપ્તી નદીઓ ડેન્જર નિશાનથી ઉપર વહી રહી છે. રાજ્યમાં પૂરગ્રસ્ત જિલ્લાઓમાં અવ્યવસ્થા વધી છે.  બલરામપુર અને લખીમપુરમાં પૂરના કારણે સર્જાયેલા અકસ્માતોમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. 

બિહારમાં વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં ૧૬ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ચાર લોકો ઘાયલ છે. બાંકા અને પટનામાં ત્રણ-ત્રણ, નાલંદા, સિવાન અને કૈમૂરમાં બે-બે તથા ભોજપુર, રોહતાસ, મુંગેર અને સારણમાં એક-એક વ્યક્તિનાં મોત થયા હોવાનું જણાવાયું છે. બિહારમાં કોસી નદીના કિનારાના ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગોપાલગંજમાં ગંડક નદીનું જળસ્તર ઘટવા છતાં જિલ્લાના પાંચ વિસ્તારોના ૨૧ ગામો પૂરના પાણીથી ઘેરાયેલા છે. મધુબનીમાં કમલા બલાન નદી જોખમના સ્તરથી ૧.૩૮ મીટર ઉપર વહી રહી છે. અરરીયામાં ડૂબી જવાથી બે લોકોનાં મોત થયા હોવાના અહેવાલો છે.

ઝારખંડના સેરૈકેલા-ખારસ્વાન જિલ્લામાં વીજળી પડતાં એક મહિલા અને તેના પુત્ર સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. ભદુદિહ ગામમાં કેટલાક લોકો ખેતરમાં તેમના ઢોર ચરાવી રહ્યા હતા ત્યારે એક ખેડૂતે વરસાદના પાણીથી બચવા તારપોલીનની નીચે ઊભો રહ્યો હતો. પરંતુ તેના પર જ લાઈટ પડી હતી.

ઉત્તરાખંડના ચમોલીમાં ભૂસ્ખલન થવાના કારણે બદરીનાથ હાઈવેમાં અવરોધો ઊભા થયા છે. જોગીધારા અને પાતાલગંગામાં હાઈવે પર ભારે પ્રમાણમાં પથ્થરો અને બોલ્ડર પડયા હોવાથી ૧૫૦૦થી વધુ પ્રવાસીઓ ફસાયેલા છે. આ સિવાય કુમાઉ મંડલના સરહદીય જિલ્લાઓમાં ભારે વરસાદથી સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. હિમાચલ પ્રદેશમાં ચોમાસુ નબળું પડવા છતાં અનેક સ્થળો પર હળવાથી વધુ વરસાદ થઈ રહ્યો છે. પંજાબમાં આખો દિવસ ભેજવાળું વાતાવરણ રહ્યું, પરંતુ સાંજના સમયે અનેક જિલ્લાઓમાં વરસાદ પડયો હતો. હવામાન વિભાગે ઉત્તર ભારતના રાજ્યોમાં યલો એલર્ટ જાહેર કરી છે.

દરમિયાન દિલ્હીમાં ગુરુવારે વહેલી સવારે વગર વરસાદે જેજે કોલોની વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. દિલ્હી નજીક મુનક નહેર બુધવારે અડધી રાતે તૂટતા જેજે કોલોની વિસ્તારમાં લોકો ઊંઘતા હતા ત્યારે જ તેમના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. લોકો વહેલી સવારે ઉઠયા ત્યારે સમગ્ર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દિલ્હીના બવાના વિસ્તારમાં જેજે કોલોનીમાં પૂરની સ્થિતિથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયેલા છે ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં રાજ્ય સરકારને ૨૭ જૂને જ સ્થાનિક લોકો દ્વારા મુનક નહેર લીક થતી હોવાનું જણાવાયું હતું, પરંતુ સરકારી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નહોતા.


Google NewsGoogle News