દિલ્હીની ટોચની શાળાને ઇ-મેઇલ દ્વારા બોમ્બથી ઉડાડી મૂકવાની ધમકી મળી
- અગ્નિ શામકો તુર્ત જ ધસી ગયા
- ધમકી મળતાં દિલ્હી પબ્લિક સ્કૂલ તુર્ત જ ખાલી કરાવવામાં આવી : સદભાગ્યે ધમકી ખોટી નીકળી
નવી દિલ્હી : મથુરા રોડ સ્થિત અહીંની દિલ્હી પબ્લિક સ્કૂલને ઇ-મેઇલ દ્વારા બોમ્બથી ઊડાડી મુકવાની ધમકી મળી હતી. આ ધમકી મળતાં જ શાળાના સંચાલક તથા શિક્ષક શિક્ષિકાઓ બાળકોને તુરત જ બહારનાં ચોગાનમાં લઇ ગયાં હતાં. દરમિયાન અગ્નિશામકો માટે પણ ફોન કરી દીધો હતો તે પછી તુર્ત જ અગ્નિશામકો પણ ત્યાં પહોંચી ગયાં હતાં. પોલીસે આ ધમકી કોણે મોકલી છે તેની તપાસ પણ હાથ ધરી છે.
આ પૂર્વે પણ ૧૨મી એપ્રિલે દિલ્હીની ધી ઈંડીયન પબ્લિક સ્કૂલ કેમ્પસને બોમ્બથી ધમકી આપતો ઇ-મેઇલ મળ્યો હતો. ત્યારે પણ શાળા તુર્ત જ ખાલી કરવામાં આવી હતી. ત્યારે પણ આ ધમકી ફોકટ અપાઈ હોવાનું નિશ્ચિત થયું હતું. પરંતુ તે પૂર્વે બોમ્બ ડીટેકશન એન્ડ ડીસ્પોઝલ સ્કવોડને ખબર આપવામાં આવી હતી. તેથી તે સ્કવોડ તુર્ત જ પહોંચી જઇ તપાસ હાથ ધરી હતી. તે સમયે પણ તે ધમકી ખોટી સાબીત થઇ હતી.
જો કે ધમકી આપનાર અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ ઘટનાઓ અંગે વિશ્લેષકોનું મંતવ્ય છે કે વાસ્તવમાં આવી ખોટી ધમકીઓ આપી તે વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાવવાની જ ધમકી આપનારની જેમ હોઈ શકે. આવાં તત્ત્વોને શાંત જળમાં પથ્થરો નાખી શાંત જળ વિક્ષુબ્ધ કરવામાં તથા બાળકો અને શિક્ષક શિક્ષિકાઓમાં ગભરાટ ફેલાવવામાં રાક્ષસી આનંદ આવતો હોય છે. આવું કૃત્ય કરનાર વાસ્તવમાં ઊંડે ઊંડે હિંસક માનસ ધરાવતો હોય છે. મારી ન શકે તો છેવટે મૃત્યુભયથી બીજાને બીવડાવવામાં તેમની સુષુપ્ત હિંસકવૃત્તિ સંતોષાતી હોય છે. આવાં તત્ત્વોને શોધી શોધીને ઝેર કરવા જ જોઇએ. કારણ કે તે સુષુપ્ત હિંસકવૃત્તિ પછીથી સુષુપ્ત ન રહેતાં બહાર પડે છે અને કૈં નહીં તો નાનાં બાળકોને નિશાન બનાવી પણ દે તે સૌથી મોટી ભીતિ છે.