ઉ.પ્રદેશની કૈસરગંજથી બ્રિજભૂષણના પુત્રને અને રાયબરેલીથી દિનેશસિંહને ટિકિટ
- ભાજપમાં બ્રિજભૂષણનો દબદબો યથાવત્
- અગાઉની ચૂંટણીમાં સોનિયા ગાંધીને પડકારવાનું ફળ દિનેશસિંહને આ ચૂંટણીમાં ટિકિટના સ્વરૂપમાં મળ્યું
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ ગુરુવારે ૧૭ ઉમેદવારોની યાદી જાહેર કરી. આ યાદીમાં જેની રાહ જોવાતી હતી તે કૈસરગંજ અને રાયબરેલી સીટના નામ જાહેર થઈ ગયા છે. કૈસરગંજ પર પર બ્રિજભૂષણના પુત્ર કરણ ભૂષણને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે રાયબરેલીથી દિનેશસિંહને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપે વર્તમાન સાંસદ બ્રિજભૂષણસિંહની ટિકિટ કાપીને તેના પુત્ર કરણ ભૂષણસિંહને કૈસરગંજથી મેદાનમાં ઉતાર્યો છે. કરણ ભૂષણસિંહ બ્રિજભૂષણસિંહનો નાનો પુત્ર છે. ૧૩ ડિસેમ્બર ૧૯૯૦ના રોજ જન્મેલા કરણભૂષણસિંહને એક પુત્રી અને એક પુત્રના પિતા છે. તે ડબલ ટ્રેપ શૂટિંગમાં નેશનલ પ્લેયર રહી ચૂક્યા છે.
ડો. કરણભૂષણે ડો. રામમનોહર લોહિયા અવધ યુનિવર્સિટીમાંથી બીબીએ અને એલએલબીની ડિગ્રી હાંસલ કરી છે. તેની સાથે જ ઓસ્ટ્રેલિયાથી બિઝનેસ મેનેજમેન્ટમાં ડિપ્લોમા કર્યો છે. હાલમાં તે ઉત્તરપ્રદેશ કુસ્તી સંઘના પ્રમુખ છે. તેની સાથે સહકારી ગ્રામ વિકાસ બેન્કના વડા છે. કરણ ભૂષણનો મોટો ભાઈ પ્રતીક ભૂષણ ભાજપમાંથી વિધાનસભ્ય છે.
બ્લોક પ્રમુખ તરીકે રાજકારણનો પ્રારંભ કરનારા દિનેશસિંહ વર્તમાન મોદી સરકારમાં સ્વતંત્ર રાજ્યમંત્રી છે. તેઓ પહેલી વખત ૨૦૦૪માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર વિધાનપરિષદની ચૂંટણી લડયા હતા, પરંતુ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા.
૨૦૦૭માં તે બસપાના ઉમેદવાર તરીકે તિલોઈ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડયા હતા, પરંતુ ત્યાં પણ તેમણે પરાજયનો સામનો કરવો પડયો હતો. તેના પછી તે કોંગ્રેસમાં ગયા. કોંગ્રેસમાં તેમને કદ, પદ અને ખ્યાતિ ત્રણેય મળ્યા.
પહેલી વખત તે ૨૦૧૦માં એમએલસી બન્યા અને ૨૦૧૬માં ફરીથી એમએલસી બન્યા. તેમના ભાઈ ૨૦૧૭માં હરચંદપુરથી વિધાનસભ્ય બન્યા. પણ ૨૦૧૯ આવતા-આવતા તેમનો કોંગ્રેસમાંથી મોહભંગ થઈ ગયો અને તે ભાજપમાં સામેલ થઈ ગયા. ભાજપમાં સામેલ થયા પછી ૨૦૧૯માં સોનિયા ગાંધી સામે ભાજપના ઉમેદવાર તરીકે લડયા અને પોણા ચાર લાખ મત મેળવવા છતાં હારી ગયા હતા. યુપીમાં ભાજપની સરકાર ફરીથી બની ત્યારે તેમને સ્વતંત્ર રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા અને ત્યારથી તે આ હોદ્દા પર છે.