મહારાષ્ટ્રની એ 'હોટ સીટ' જ્યાંથી ચૂંટણી મેદાને ત્રણેય સેનાએ ઉતાર્યા ઉમેદવાર, કોનું પલડું ભારે?
Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ટિકિટની વહેંચણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહ્યો છે. તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને ટિકિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.આ દરમિયાન રાજ્યમાં એક એવી બેઠક છે જ્યાં ત્રણ દળો એટલે કે શિવસેના (શિંદે જૂથ), શિવસેના (ઉદ્ધવ જૂથ) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આમને-સામને છે. મધ્ય મુંબઈની માહિમ બેઠક જ્યાંથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
માહિમ વિધાનસભા ક્ષેત્રમાં ત્રિકોણીય જંગ જામશે
અમિત ઠાકરે પરિવારમાંથી ચૂંટણી લડનાર ત્રીજા વ્યક્તિ હશે. તેમના પિતા, MNS વડા રાજ ઠાકરેએ ક્યારેય કોઈ ચૂંટણી લડી નથી. અમિત ઠાકરેના નામની જાહેરાત થતાની સાથે જ માહિમ વિધાનસભા ક્ષેત્રમાં ત્રિકોણીય જંગ જામશે. MNSને માહિમ વિધાનસભા બેઠક પરથી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના, વર્તમાન ધારાસભ્ય સદા સરવણકર અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના મહેશ સાવંત સામે સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: NDAમાં ટેન્શન, 4 બેઠક પર કોયડો ગુંચવાયો, શિંદે સેનાએ પ્રચારની ના પાડતાં દિલ્હી સુધી દોડધામ
રાજ ઠાકરેએ આદિત્ય ઠાકરે સામે ઉમેદવાર ઊભો રાખ્યો નહોતો
શિવસેના (ઉદ્ધવ જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને અમિતના પિતરાઈ ભાઈ આદિત્ય ઠાકરેએ 2019ની વિધાનસભા ચૂંટણીમાં માહિમની બાજુમાં આવેલી વરલી બેઠક પરથી જીત મેળવી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા પછી, ઉદ્ધવ ઠાકરે પોતે 2020માં વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. શિવસેના (ઉદ્ધવ જૂથ) અને શિવસેના (શિંદે જૂથ) બંનેએ અમિત ઠાકરે સામે તેમના ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે રાજ ઠાકરેએ 2019ની ચૂંટણી દરમિયાન આદિત્ય ઠાકરેને બિનશરતી સમર્થન આપ્યું હતું.
લોકો ભવિષ્ય નક્કી કરશે: અમિત ઠાકરે
ચૂટણીને લઈને અમિત ઠાકરેએ કહ્યું કે, 'હું વિરોધીઓ વિશે ચિંતિત નથી કારણ કે મારી ચૂંટણી લડવાની તક પિતા રાજ ઠાકરે દ્વારા આપવામાં આવી હતી અને લોકો તેમના ભાવિનો નિર્ણય કરશે. કોઈ એકલું ચૂંટણી લડી શકતું નથી, સ્પર્ધા હોવી જોઈએ.' આ ઉપરાંત મનસેના વરિષ્ઠ નેતા અને સેવડી વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર બાલા નંદગાંવકરે જણાવ્યું હતું કે, 'રાજ ઠાકરે મોટા હૃદયના વ્યક્તિ છે. આજની રાજનીતિમાં એવા લોકો રહ્યા નથી. એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેએ તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે અને અમે અમારો નિર્ણય લઈ લીધો છે, હવે જનતાને નિર્ણય લેવા દો.'
આ પણ વાંચો: હાઈવે પર ટાયર બદલતાં 3 લોકોને ટ્રકે કચડી નાખતાં કાળ ભરખી ગયો, યુપીમાં ગમખ્વાર અકસ્માત
'માહિમ શિવસેના(ઉદ્ધવ જૂથ)નો ગઢ છે'
શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ અને નેતા સંજય રાઉતે સ્પષ્ટતા કરી કે દાદર-માહિમ બેઠક શિવસેનાનો ગઢ રહી છે. તેથી આ બેઠક પર ચૂંટણી ન લડવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના પ્રવક્તા આનંદ દુબેએ જણાવ્યું હતું કે, 'મોટા દિલના રાજ ઠાકરેએ અગાઉની ચૂંટણીઓમાં હંમેશા તેમના ઉમેદવારો સાથે સમાધાન કર્યું છે.'