આસામમાં એક હજાર બ્રુ આતંકવાદીઓ આત્મસમર્પણ કરશે
- 12 ડિસેમ્બરે એક સમારોહમાં 1000 થી વધુ બ્રુ આતંકવાદીઓ તેમના શસ્ત્રો મૂકશે
નવી દિલ્હી,તા.9 ડિસેમ્બર 2022,શુક્રવાર
આસામના હાઈલાકાંદી જિલ્લામાં મોટી સંખ્યામાં બ્રુ આતંકવાદીઓ આત્મસમર્પણ કરવા જઈ રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, 12 ડિસેમ્બરે એક સમારોહમાં 1000 થી વધુ બ્રુ આતંકવાદીઓ તેમના શસ્ત્રો મૂકશે અને મુખ્ય પ્રવાહમાં પાછા ફરશે. હાઈલાકાંદી એડિશનલ એસપી વિદ્યુત દાસે જણાવ્યું હતું કે નવી યુનાઇટેડ ડેમોક્રેટિક લિબરેશન ઓફ બરાક વૈલી અને બ્રુ રિવોલ્યુશનરી આર્મી ઓફ યુનિયન (BRAU) ના સભ્યો મિઝોરમ સાથેની રાજ્યની સરહદથી 28 કિમી દૂર કાટલીચેરા ખાતે ઔપચારિક રીતે તેમના શસ્ત્રો મૂકશે.
કેન્દ્ર, મિઝોરમ અને ત્રિપુરાની રાજ્ય સરકારો અને મિઝોરમ બ્રુ વિસ્થાપિત પીપુલ્સ ફોરમ એ 2018 માં બ્રુ પરિવારોને દેશમાં પરત કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ સાથે સંગઠન સાથે મુખ્ય પ્રવાહમાં પરત આવવા માટે વાતચીત શરૂ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બંને આતંકવાદી સંગઠન આસામ-મિઝોરમ સરહદી વિસ્તારોમાં ખાસ કરીને આસામના હાઈલાકાંદી જિલ્લામાં 90ના દાયકામાં સક્રિય હતા. ઉલ્લેખનીય છે કે સંગઠન પર ભાજપ નેતા પ્રતુલ દેબની હત્યામાં સામેલ હોવાનો આરોપ છે.