અહીં બની રહ્યું છે અયોધ્યાના રામ મંદિરથી પાંચ ગણું મોટું મંદિર, 108 ફૂટ ઊંચા હશે પાંચ શિખર
- 2025ના અંતિમ મહિના સુધીમાં આ મંદિર બનીને તૈયાર થઈ જશે
ચંપારણ, તા. 16 જાન્યુઆરી 2024, મંગળવાર
22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે બીજી તરફ અયોધ્યાના રામ મંદિરથી પાંચ ગણું મોટું રામ મંદિર બિહારના ચંપારણમાં બની રહ્યું છે. 2025ના અંતિમ મહિના સુધીમાં આ મંદિર બનીને તૈયાર થઈ જશે. એટલું જ નહીં આ જ વિરાટ રામાયણ મંદિરમાં વિશ્વના સૌથી મોટી શિવલિંગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. મંદિર નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યુ છે.
વિરાટ રામાયણ મંદિરની શરૂઆત વર્ષ 2012માં કરવામાં આવી હતી
મોતિહારી (પૂર્વી ચંપારણ)ના કૈથવાલિયામાં બનાવવામાં આવનાર વિરાટ રામાયણ મંદિરની શરૂઆત વર્ષ 2012માં કરવામાં આવી હતી. પટનાના મહાવીર મંદિરનો આ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જ્યારે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ત્યારે ભાજપના તત્કાલિન ધારાસભ્ય સચિન્દ્ર સિંહે ઉત્સાહભેર ભાગ લીધો હતો પરંતુ જ્યારે રાજકીય પ્રભાવને કારણે મંદિરના કામમાં અવરોધ ઉભા થવા લાગ્યા ત્યારે પૂર્વ IPS અધિકારી અને મહાવીર સ્થાન ટ્રસ્ટ સમિતિના સચિવ આચાર્ય કિશોર કુણાલે રાજકારણથી દૂર રહીને કામને આગળ ધપાવ્યું હતું.
વિરાટ રામાયણ મંદિર વિશે જાણો
આ મંદિર 125 એકર જમીનમાં ફેલાયેલું છે. મંદિરનું ક્ષેત્રફળ 3.67 લાખ ચોરસ ફૂટ હશે. સૌથી ઊંચું શિખર 270 ફૂટનું હશે. 198 ફૂટનો એક શિખર હશે. જ્યારે 180 ફૂટના ચાર શિખરો હશે. 135 ફૂટનો એક શિખર અને 108 ફૂટ ઊંચાઈના 5 શિખર હશે. વિરાટ રામાયણ મંદિરની લંબાઈ 1080 ફૂટ અને પહોળાઈ 540 ફૂટ છે.
1500 વર્ષ બાદ આવા સહસ્ત્ર શિવલિંગનું નિર્માણ કરાવવામાં આવી રહ્યું છે
વિશ્વનું સૌથી મોટું શિવલિંગ 2025 સુધીમાં બનીને તૈયાર થઈ જશે. તેનું નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. તેની વિશેષતા એ છે કે, તે શિવલિંગ સહસ્ત્ર શિવલિંગ હશે. તેમાં હજાર શિવલિંગની આકૃતિ હશે. 1500 વર્ષ બાદ આવા સહસ્ત્ર શિવલિંગનું નિર્માણ કરાવવામાં આવી રહ્યું છે. આ પહેલા 800 ઈ. માં સહસ્ત્ર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. બ્લેક ગ્રેનાઈટથી બનનારા આ શિવલિંગ પર ત્રણ માળના મંદિરની ઉપરથી જળાભિષેક થશે. આ શિવલિંગનું વજન 210 ટન હશે. જ્યારે તેની ઉંચાઈ 33 ફૂટ હશે. શ્રદ્ધાળુઓ 33 ફૂટની ઊંચાઈએથી સીધા જ મહાદેવને જળ અર્પણ કરી શકશે.