બિહારના એક એવા 'દાનવીર ચા વાળા' જેમણે ગરીબ, અસહાય લોકોની મદદ કરવા વેચી દીધુ પોતાનું મકાન
પટના, તા. 10 જાન્યુઆરી 2023 મંગળવાર
છેલ્લા ઘણા સમયથી સમગ્ર ભારતમાં ચા વાળાની ધૂમ મચી છે. પછી તે ગ્રેજ્યુએટ ચા વાળા હોય કે પછી એમબીએ ચા વાળા. એન્જિનિયર ચા વાળા પણ ચર્ચામાં રહ્યા.
આ છે ગયા ના 'દાનવીર ચા વાળા'. આ એવા ચા વાળા છે જે છેલ્લા 35 વર્ષોથી ગરીબ અને અસહાય લોકોની મદદ કરી રહ્યા છે.
લોકોની સેવા કરવા માટે આ દાનવીર ચા વાળાએ પોતાનું મકાન વેચી નાખ્યુ બાદમાં તે રૂપિયાનો ગરીબોની મદદ માટે ઉપયોગ કર્યો. હવે તે પરિવાર સાથે ભાડાના મકાનમાં રહે છે. આ દાનવીર ચા વાળાનું નામ સંજય ચંદ્રવંશી છે. સંજય ચંદ્રવંશીની અંદર સેવાની આ ભાવના તેમના પિતા વનવારી રામને જોઈને આવી છે. સંજય ચંદ્રવંશીના પરિવારમાં આ દાનશીલતાની પરંપરા તેમના પર દાદાના સમયથી ચાલી આવે છે.
સંજય ચંદ્રવંશીના પત્ની ગરીબો માટે ભોજન બનાવે છે
સંજય ચંદ્રવંશીના જણાવ્યુ અનુસાર છેલ્લા અઢી સો વર્ષોથી તેમની પાંચ પેઢીઓ દાનવીરતાની ગાથા લખી રહી છે. તેમનો દિવસ કીડીને ખાંડ આપવાથી શરૂ થાય છે. જે બાદ સંજયની ચા ની દુકાન પર ભિક્ષુક, રિક્ષાચાલકો, અસહાય અને ગરીબ લોકોનું આગમન શરૂ થાય છે.
આ તમામને સંજય પોતે બનાવેલી ચા બિસ્કિટ સાથે પરોસે છે. તેમની પત્ની તમામ ગરીબો માટે ભોજન બનાવે છે. તેમનો પુત્ર ભોજન લઈને દુકાને આવે છે. બાદમાં તે ગરીબોને ભોજન પણ ખવડાવે છે.
11 લાખમાં વેચ્યુ પોતાનું મકાન
દાનવીર ચા વાળા સંજય ચંદ્રવંશીએ જણાવ્યુ કે તેમની એક ચા અને જ્યુસની દુકાન છે. જેનાથી જે પણ પૈસા તેમને મળે છે તેના દ્વારા તેઓ ગરીબો અને અસહાય લોકોની મદદ કરે છે. સંજયે જણાવ્યુ કે ગયાના કંડી નવાદામાં તેમણે એક આશિયાના બનાવ્યુ હતુ પરંતુ વચ્ચે રૂપિયાની અછતના કારણે તેઓ લોકોની સેવા કરી શકતા નહોતા તેથી 11 લાખ રૂપિયામાં તેમણે પોતાનું મકાન વેચી દીધુ. તેમણે એ પણ જણાવ્યુ કે અમુક લોકો તેમના આ કામમાં મદદ કરવા માટે આગળ વધે છે પરંતુ તેઓ કોઈની મદદ લેતા નથી.