'એક દેશ એક ચૂંટણી' ની ચર્ચા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ, કોવિંદ સમિતિએ કયા આધારે કરી ભલામણ
ભારતમાં 'એક દેશ એક ચૂંટણી' ની શક્યતાઓ ચકાસવા જર્મની સહિત 7 દેશો પર કરાયો અભ્યાસ
image : Twitter |
One Nation One Election | ભારતમાં “એક રાષ્ટ્ર એક ચૂંટણી'ની શક્યતા તપાસવા રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય પેનલે ભારતમાં હિસ્સેદારો અને નિષ્ણાતો સાથે ચર્ચા કરવા ઉપરાંત જર્મની, સ્વીડન, બેલ્જિયમ, દક્ષિણ આફ્રિકા જેવા સાત દેશોમાં ચૂંટણી પ્રક્રિયાનો પણ અભ્યાસ કર્યો હતો. વધુમાં વર્ષ ૧૯૮૩માં ચૂંટણી પંચે, ૧૯૯૯માં કાયદા પંચે અને ૨૦૧૭માં નીતિ આયોર્ગે એક રાષ્ટ્ર એક ચૂંટણી’ની ભલામણ કરી હતી. આ અહેવાલોમાં દેશમાં શરૂઆતમાં એક સાથે થતી ચૂંટણીનો ઉલ્લેખ કરાયો હતો.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષપદે રચાયેલી પેનલે દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીની કલ્પનાને સાર્થક ઠેરવવા માટે દુનિયાના અન્ય દેશોની ચૂંટણી પ્રક્રિયાનો પણ અભ્યાસ કર્યો હતો. આ દેશોમાં જર્મની, સ્વીડન, આફ્રિકા, બેલ્જિયમ, જાપાન, ફિલિપાઈન્સ જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. પેનલના રિપોર્ટ મુજબ એક સાથે ચૂંટણીઓ યોજવા મુદ્દે અન્ય દેશોની ચૂંટણી પ્રક્રિયાનું પણ વ્યાપક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેનો મૂળ આશય મુક્ત, ન્યાય અને પારદર્શી ચૂંટણી માટે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અપનાવવાનો છે.
પેનલના અહેવાલ મુજબ ભારતમાં એક સાથે ચૂંટણી યોજવાનો મૂળ વિચાર વર્ષ ૧૯૮૩માં ચૂંટણી પંચે રજૂ કર્યો હતો. આ સમયે ચૂંટણી પંચે તેના અહેવાલમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ એક સાથે યોજવાનો વિચાર રજૂ કર્યો હતો.ત્યાર પછી કાયદા પંચે ચૂંટણીઓ યોજવા અંગેના તેના અહેવાલમાં ૧૯૯૯, ૨૦૧૫ અને ૨૦૧૮માં એક રાષ્ટ્ર એક ચૂંટણીની પદ્ધતિ અપનાવવા પર ભાર મૂક્યો હતો. વર્ષ ૨૦૦૨માં નેશનલ કમિશને પણ એક સાથે ચૂંટણીઓ યોજવાની દેશની જૂની પદ્ધતિ પુનઃ શરૂ કરવા અને અલગ ચૂંટણીઓ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી. જાન્યુઆરી 2017માં નીતિ પંચે પણ ‘એનાલીસિસ ઓફ સાયમલ્ટેનસ ઈલેક્શન્સ : ધ વોટ, વ્હાય એન્ડ હાઉ' મથાળા હેઠળ એક વર્કિંગ પેપર રજૂ કરતાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એક સાથે યોજવા ભલામણ કરી હતી.