કર્ણાટક: કોડાગુમાં ખેડૂતે ઉગાડેલા એક નંગ લીંબુનું વજન 5 કિલો, લોકો લીંબુનું કદ જોઈને રહી ગયા દંગ
Image Source: Freepik
બેંગલુરુ, તા. 21 ડિસેમ્બર 2023 ગુરૂવાર
વિશ્વના ઘણા સ્થળોએ લીંબુ મોટા આકારમાં પેદા કરવામાં આવે છે પરંતુ ભારતમાં આવા લીંબુ ઉગતા નથી. હવે એક ભારતીય ખેડૂતે પોતાના ખેતરમાં પાંચ કિલો વજનના લીંબુ ઉગાડ્યા છે. લીંબુનો આકાર જોઈને લોકો દંગ રહી ગયા છે. કર્ણાટકના કોડાગુમાં રહેતા વિજૂ સુબ્રમણિ નામના શખ્સે જ્યારે વિશાળ લીંબુને જોયા તો તેમને વિશ્વાસ જ થયો નહીં.
રિપોર્ટ અનુસાર પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને સામાજિક કાર્યકર્તા વિજૂ સુબ્રમણિએ લગભગ ચાર વર્ષ પહેલા મૈસૂરથી એક લીંબુ ખરીદ્યુ હતુ. તેને કોફીના છોડની વચ્ચે મૂકી દીધુ, જેમાંથી બે છોડ નીકળ્યા. થોડા દિવસ બાદ સુબ્રમણિએ આ બંને છોડને તે સ્થળ પર લગાવી દીધા જ્યાં જૈવિક ખાતર એકત્ર કરવામાં આવ્યુ હતુ.
તેમણે જણાવ્યુ કે લગભગ 3 વર્ષ સુધી છોડ ખૂબ સુસ્ત અને કરમાયેલો રહ્યો. તે તેને લઈને ચિંતિત હતા અને પરેશાન હતા કેમ કે આમાં ફળ અને ફૂલ લાગવાના કોઈ લક્ષણ દેખાઈ રહ્યા નહોતા પરંતુ ચોથા વર્ષે તેમાં ફૂલ લાગ્યા પછી આ છોડમાં લીંબુ ઉગ્યા અને તેના આકારને જોઈને પોતે વિજૂ સુબ્રમણિ પણ ચોંકી ગયા હતા.
સામાન્ય રીતે એક લીંબુનું વજન 50 ગ્રામની આસપાસ હોય છે પરંતુ વિજૂ સુબ્રમણિના વૃક્ષમાં લાગેલા લીંબુનું વજન 5 કિલો છે. આ લીંબુનું વજન તરબૂચના વજન કરતા પણ વધુ છે. ગાજા પ્રજાતિના લીંબુ સૌથી મોટા માનવામાં આવે છે. આવા લીંબુ પોતાના અનુકૂળ પર્યાવરણના કારણે યુરોપમાં મોટી સંખ્યામાં જોવા મળે છે.
વિજૂ સુબ્રમણિએ આ લીંબુઓને એક મંદિરમાં દાન કરી દીધા છે. આ લીંબુના આકારને જોઈને લોકોના મનમાં બનેલી સામાન્ય આકારના લીંબુની ધારણા તૂટી ગઈ છે. આ લીંબુ અને તેની છાલને જ્યૂસ અને અથાણુ બનાવવાના કામમાં લેવામાં આવે છે.