Get The App

પશ્ચિમ બંગાળ: માછીમારની જાળમાં ફસાઇ 800 કિલોની માછલી, વીસ લાખ રૂપિયામાં વેચાઇ

- આવી દુર્લભ માછલી અગાઉ કદી દેખાઇ નહોતી

Updated: Jul 27th, 2020


Google NewsGoogle News
પશ્ચિમ બંગાળ: માછીમારની જાળમાં ફસાઇ 800 કિલોની માછલી, વીસ લાખ રૂપિયામાં વેચાઇ 1 - image


કોલકાતા તા.27 જુલાઇ 2020 સોમવાર

એક નાનકડા જહાજ જેવી દેખાતી અને 800 કિલો વજન ધરાવતી એક દુર્લભ માછલી પકડાઇ હતી. પશ્ચિમ બંગાળના માછીમારો પશ્ચિમ બંગાળના દીઘા વિસ્તારમાં રોજની જેમ પાણીમાં જાળ નાખીને બેઠા હતા. એક માછીની જાળમાં આ વિરલ માછલી ઝડપાઇ હતી. આ પ્રકારની માછલી અગાઉ આ વિસ્તારમાં ક્યારેય દેખાઇ નથી એટલે એને જોવા લોકોનાં ટોળેટોળાં એકઠાં થઇ ગયાં હતાં.

પશ્ચિમ બંગાળમાં બ્રાહ્મણો સહિત અઢારે વરણ માછલીની વિવિધ વાનગી રાંધીને ખાવા માટે પંકાયેલી છે. ઘણા સુખી લોકો પોતાના બંગલામાં નાનકડું તળાવ રાખીને એમાં વિવિધ પ્રકારની માછલી ઊછેરે છે. 800 કિલોની આ માછલી બજારમાં વેચાવા આવી ત્યારે એને ખરીદવા માટે રીતસર એક પ્રકારની સ્પર્ધા જામી હતી. આખરે વીસ લાખ રૂપિયામાં આ માછલી વેચાઇ હતી. આ માછલી ચીલશંકર તરીકે ઓળખાય છે. પશ્ચિમ બંગાળમાં આ માછલી ભાગ્યેજ જોવા મળતી હોય છે. 

જે ટ્રોલરમાં આ માછલી ઝડપાઇ એનો માલિક મૂળ ઓરિસાનો છે. દીઘા વિસ્તારમાં સ્થાયી થયો છે. એ જ્યારે આ કાળા રંગની વિરાટ માછલી લઇને બજારમાં આવ્યો ત્યારે એની આસપાસ વિદેશી ટુરિસ્ટનું ધાડું માછલીને જોવા માટે એકઠું થઇ ગયું હતું.

ચાર પાંચ માછીઓએ એક જાડું દોરડું બાંધીને આ માછલીને વાનમાં ચડાવી હતી. લૉકડાઉન દરમિયાન મળેલી આ માછલી એને પકડનાર માટે એક લૉટરી જેવી સાબિત થઇ હતી. એને આ એક માછલીના વીસ લાખ રૂપિયા મળ્યા હતા.

આ દોરડું મોહાના ફિશર્સ એસોસિયેશને આપ્યું હતું. બજારમાં આ માછલી કિલોના રૂપિયા 2100ના ભાવે વેચાઇ હતી. દીઘાના મોટા ભાગના માછીઓએ કહ્યું હતું કે અમે અગાઉ આવી ચીલશંકર માછલી આ વિસ્તારમાં છેલ્લાં પચાસ સાઠ વરસમાં કદી જોઇ નથી. આ માછલીના તેલ અને હાડકાંમાંથી કેટલીક દવાઓ બનાવવામાં આવે છે.



Google NewsGoogle News