1000 વર્ષ સુધી અડીખમ રહે અને ગમે તેવા ભૂકંપ સામે ડગે પણ નહીં એવું રામ મંદિર, જે બનાવવામાં લોખંડનો ઉપયોગ નથી કરાયો
અયોધ્યા રામ મંદિરની ડિઝાઈન મંદિર વાસ્તુકલાના નિષ્ણાત ચંદ્રકાંત સોમપુરાએ કરી છે
Ram Mandir: અયોધ્યામાં તૈયાર થઈ રહેલું ભવ્ય રામ મંદિર પરંપરાગત ભારતીય વાસ્તુકલા અને આધુનિકતાનો ઉત્તમ નમૂનો છે. એટલે જ આ મંદિર હવે સદીઓ સુધી અડીખમ રહેશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાના જણાવ્યા પ્રમાણે, ‘આ મંદિર 1000 વર્ષથી પણ વધુ સમય સુધી ટકી રહે એવી રીતે બનાવાયું છે. દેશના ટોચના વિજ્ઞાનીઓએ આ પ્રતિષ્ઠિત સંરચના બનાવવામાં ફાળો આપ્યો છે. અગાઉ આ પ્રકારના મંદિરનું નિર્માણ થયું નથી.’
સાંધા માટે સિમેન્ટ-ચુનાનો ઉપયોગ પણ નહીં
રામ મંદિરની ડિઝાઈન મંદિર વાસ્તુકલાના નિષ્ણાત ચંદ્રકાંત સોમપુરાએ કરી છે. તેમણે નાગરશૈલી અને ઉત્તર ભારતના મંદિરો પ્રમાણે આ કામ પાર પાડ્યું છે. સોમપુરા પરિવાર આશરે 15 પેઢીથી આ કામ કરી રહ્યો છે. આ પરિવારે અત્યાર સુધી 100 મંદિરો ડિઝાઈન કર્યા છે. ચંદ્રકાંત સોમપુરા જણાવે છે કે ‘વાસ્તુકલાના ઇતિહાસમાં શ્રી રામ મંદિર સર્વશ્રેષ્ઠ છે. પૃથ્વી પર કોઈ પણ ખૂણામાં આવી શાનદાર રચના પહેલીવાર કરાઈ છે.’
નૃપેન્દ્ર મિશ્રા કહે છે કે ‘રામ મંદિરનું કુલ ક્ષેત્રફળ 2.7 એકર છે. તેનું નિર્માણ ક્ષેત્ર આશરે 57,000 ચોરસ ફૂટ છે. ત્રણ માળના આ મંદિરમાં લોખંડ કે સ્ટિલનો ઉપયોગ નથી કરાયો કારણ કે, લોખંડની ઉંમર ફક્ત 80થી 90 વર્ષ હોય છે. એટલે તેમાં સારામાં સારી ગુણવત્તા ધરાવતા ગ્રેનાઇટ, બલુઆ અને સંગેમરમર પથ્થરનો ઉપયોગ કરાયો છે. એટલું જ નહીં, મંદિરની રચનામાં સાંધા માટે સિમેન્ટ કે ચુનાનો ઉપયોગ પણ નથી કરાયો.’
પોચી જમીનને કેવી રીતે મજબૂત કરાઈ?
રામ મંદિર બનાવતા પહેલા જમીનનું ઊંડું વિશ્લેષણ કરાયું હતું. તેમાં જાણવા મળ્યું હતું કે નિર્માણ કરનારા મંદિરની ઈમારત નીચેની જમીન રેતાળ અને અસ્થિર છે. તેનું કારણ હતું સરયુ નદી. તે બિલકુલ અહીં બાજુમાંથી જ વહે છે. તેથી મંદિર નિર્માણ કેવી રીતે કરવું તે એક મોટો પડકાર હતો. જો કે વિજ્ઞાનીઓએ આ મુશ્કેલીનો ઉપાય પણ શોધી કાઢ્યો. તેમની સલાહ પ્રમાણે સૌથી પહેલા સમગ્ર મંદિર ક્ષેત્રમાં 15 મીટરની ઊંડું ખોદકામ કરાયું. તેમાં 12થી 14 મીટરની ઊંડાઈ સુધી એન્જિનિયર્ડ માટી નંખાઈ. તેમાં પણ લોખંડના સળિયાનો ઉપયોગ ના કરાયો.
આ જમીનને મજબૂત પથ્થર જેવી કરવા કુલ 47 પરતમાં આધાર તૈયાર કરાયો અને તે બધાને ચપોચપ બેસાડીને વધુ મજબૂત કરાઈ. આ જમીનની મજબૂતાઈ માટે M-35 ગ્રેડ ધાતુમુક્ત કોંક્રિટ બિછાવવામાં આવી છે. પાયાને વધુ મજબૂત કરવા માટે દક્ષિણ ભારતમાંથી કાઢવામાં આવેલા 6.3 મીટર મોટા ઠોસ ગ્રેનાઈટ પથ્થરનો એક ચબૂતરો લગાવવામાં આવ્યો છે. મંદિરનો જે હિસ્સો આગંતુકોને દેખાશે, તે રાજસ્થાનમાંથી કાઢેલા ગુલાબી બલુઆ પથ્થરથી બનેલો છે.