અયોધ્યાથી પણ મોટું રામમંદિર આ રાજ્યમાં નિર્માણ પામી રહ્યું છે, દુનિયાનું સૌથી મોટું શિવલિંગ પણ બનશે
Image: Facebook
Ram Temple: બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના કેસરિયા-ચકિયા માર્ગમાં બની રહેલા વિરાટ રામાયણ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. 20 જૂન, 2023થી પ્રથમ તબક્કાના કાર્યની શરૂઆત થઈ. જેમાં જમીનની નીચે 100 ફૂટ ઊંડાઈ સુધી 3200 ભૂગર્ભ-સ્તંભો (પાઈલ)નું નિર્માણ 10 મહિનામાં પૂરું કરી લેવાયું. જમીનના નીચેનું કાર્ય ખૂબ અઘરું હોય છે જેને સફળતાપૂર્વક પૂરું કરી લેવાયું.
મહાવીર મંદિર ન્યાસના સચિવ આચાર્ય કિશોર કૃણાલે જણાવ્યું કે હવે બીજા તબક્કાના કાર્યની શરૂઆત થઈ છે. તેમાં પહેલા ખુરશી (પ્લિન્થ) સુધીનું નિર્માણ થશે, જે લગભગ 26 ફૂટની ઊંચાઈ સુધી જશે. આની પર મજબૂતી માટે કોંક્રીટ ધાબાનું નિર્માણ થશે જેની લંબાઈ 1080 ફૂટ તથા પહોળાઈ 540 ફૂટ થશે. તે બાદ ત્રણ માળનું નિર્માણ થશે. દરેક માળ 18 ફૂટ ઊંચો હશે.
આ રીતે બીજા તબક્કામાં 1080 ફૂટ લાંબુ, 540 ફૂટ પહોળુ અને 80 ફૂટ ઊંચુ નિર્માણ થશે. આમાં 22 મંદિર હશે તેમાં રામાયણના મહત્વપૂર્ણ તમામ પ્રસંગ અને તમામ મુખ્ય દેવતાઓના મંદિર હશે. આશા છે કે દોઢથી બે વર્ષની વચ્ચે આ કામ પૂરુ થઈ જશે.
270 ફૂટ હશે મુખ્ય શિખરની લંબાઈ
વિરાટ રામાયણ મંદિરના બીજા તબક્કાના નિર્માણમાં 185 કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન છે. ત્રીજા તબક્કામાં શિખરનું નિર્માણ અને સમગ્ર મંદિરની સજાવટનું કાર્ય થશે. વિરાટ રામાયણ મંદિરમાં કુલ 12 શિખર હશે. મુખ્ય શિખર 270 ફૂટ ઊંચુ હશે.
તમામ ખર્ચ મહાવીર મંદિર ઉઠાવી રહ્યું છે
અયોધ્યાના રામમંદિર કરતાં પણ વિશાળ મંદિર બિહારમાં બની રહ્યું છે. રામાયણ પર આધારિત આ વિરાટ રામાયણ મંદિરના નિર્માણમાં અત્યાર સુધી તમામ ખર્ચ મહાવીર મંદિરે પોતાના આંતરિક સ્ત્રોતથી કર્યો છે. આ માટે ફંડ ભેગુ કરવાનું અભિયાન ચલાવાયુ નથી. આ માટે બેન્કો સાથે વાત કરવામાં આવી રહી છે અને ફૂલ-પ્રૂફ સિસ્ટમ બનાવવામાં આવી રહી છે. જેથી ક્યાંક કોઈ મંદિર-નિર્માણના નામે દાન ભેગું ન કરે.
સંસારનું સૌથી મોટું શિવલિંગ
બીજા તબક્કાનું સૌથી અઘરું કાર્ય સંસારના સૌથી મોટા શિવલિંગનું અર્ઘ્યમાં સ્થાપિત કરવાનું છે. 33 ફૂટ ઊંચુ, 33 ફૂટ ગોળાકાર અને 210 મેટ્રિક ટન વજનના શિવલિંગને મહાબલીપુરમથી નિર્માણ સ્થળ સુધી લાવવું અને ક્રેનથી આટલા ભારે શિવલિંગને અર્ધ્યમાં સ્થાપિત કરવાનું ખૂબ મુશ્કેલ કાર્ય છે.
આમની દેખરેખ હેઠળ બની રહ્યું છે મંદિર
સામાનની ખરીદી અને પુરવઠા માટે એક સમિતિ બનાવવામાં આવી છે જેના અધ્યક્ષ પટના હાઈકોર્ટના સેવાનિવૃત્ત જસ્ટિસ શ્રી પી.કે.સિન્હા છે. આ સિવાય બિહાર સરકારના પૂર્વ મુખ્ય સચિવ શ્રી વિજય શંકર દુબે, લે. જનરલ અશોક કુમાર ચૌધરી, આચાર્ય કિશોર કૃણાલ, એન.આઈ.ટીના સિવિલ એન્જિનિયરિંગના વિભાગાધ્યક્ષ પ્રો. એસ.એસ મિશ્ર, પ્રખ્યાત વરિષ્ઠ સ્ટ્રક્ચરલ અભિયન્તા શ્રી બી.કે. મિશ્ર, પ્રો. એલ.એન. રામ તથા અન્ય અનેક વ્યક્તિ જોડાયેલા છે.
આ સમિતિની બેઠક નિયમિત થાય છે અને તમામ પ્રક્રિયાઓનું પાલન કરીને સામૂહિક નિર્ણય લેવામાં આવે છે અને સમગ્ર પારદર્શિતા વર્તવામાં આવે છે.