એક એવું રેલવે સ્ટેશન જયાં ૩૬૫ દિવસમાંથી માત્ર ૧૫ દિવસ જ ગાડી રોકાય છે
એક સમયે બારેમાસ ટિકિટ બુકિંગ સેન્ટરથી સ્ટેશન ધમધમતું હતું
૧૫ દિવસ માટે રેલવે સ્ટાફની હંગામી નિમણુંક કરવામાં આવે છ
નવી દિલ્હી,૩૧ મે,૨૦૨૪,શુક્રવાર
બિહારમાં એક એવું રેલવે સ્ટેશન જયાં વર્ષમાં માત્ર ૧૫ દિવસ ટ્રેન રોકાય છે,બાકીના દિવસોમાં સડસડાટ પસાર થાય છે અને લોકો જોતા રહી જાય છે. આ રેલવે સ્ટેશનનું નામ અનુગ્રહ નારાયણ રોડ ઘાટ સ્ટેશન છે જે પૂર્વ મધ્ય રેલમાં દીન દયાલ ઉપાધ્યાય મંડલમ અંર્તગત ગ્રેંડ કૉડ રેલ લાઇનમાં મુગલસરાય -ગયા રેલખંડ પર આવેલું છે. આ રેલવે સ્ટેશનનો સમાવેશ બિહારના ઔરંગાબાદ જિલ્લામાં થાય છે. અનુગ્રહ નારાયણ ઘાટ સ્ટેશન બ્રિટિશ જમાનાનું છે.
અંગ્રેજોના શાસનકાળમાં અહીંયા બુકિંગ કાઉન્ટર બનાવવામાં આવ્યું હતું. ભાદરવા મહિનામાં પિતૃપક્ષ મેળો શરુ થાય ત્યારે આવતી જતી ટ્રેનો રોકાય છે. એક સમય હતો કે જયારે બારેમાસ સ્ટેશન પર બુકિંગ કાઉન્ટર હતું પરંતુ અત્યારે સ્ટાફ ઉઠાવી લેવામાં આવ્યો છે. વર્ષમાં માત્ર ૧૫ દિવસ માટે જ અનુગ્રહ નારાયણ રોડ ઘાટ સ્ટેશન ધમધમતું રહે છે. આ સ્થળે પુનપુન નામની નદી આવેલી છે જયાં શ્રધ્ધાળુઓ પિતૃદાન માટે આવે છે.
પુનપુન નદી રેલવે સ્ટેશનથી ૩ કિમી દૂર આવેલી છે. પિતૃપક્ષ દરમિયાન ૧૫ દિવસ ૨૪ જેટલી ટ્રેનો રોકાય છે. દેશ વિદેશથી પિતૃતર્પણ દરમિયાન ભીડ જોવા મળે છે એ સિવાય સ્થળ સૂમસામ ભાસે છે. આથી વર્ષમાં ૧૫ દિવસ માટે રેલવે સ્ટાફની હંગામી નિમણુંક કરવામાં આવે છે. પૂર્વ મધ્ય રેલવે વિભાગ દ્વારા કઇ ગાડીઓ રોકાશે તેનુ સમયપત્રક પણ જાહેર કરવામાં આવે છે.