દિલ્હીમાં 15 કરોડનું કોકેઈન ભરેલી 71 કેપ્સ્યુલ સાથે નાઇજિરિયન ઝડપાયો
- પકડાયેલા કોકેઈનનો જથ્થો 1 કિલો કરતાં પણ વધારે
- ગળેલી કેપ્સ્યુલ બહાર કઢાવવા માટે અનેક દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો
નવી દિલ્હી : નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી રૂપિયા ૧૫.૬૧ કરોડની કિંમતની કોકેઈન ભરેલી કેપ્સ્યુલ સાથે નાઈજિરિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી કસ્ટમ વિભાગે બુધવારે આપી હતી.
કસ્ટમ વિભાગે જણાવ્યું કે, નાઈજિરિયન નાગરિકને અદીસ અબાબા(ઈથોપિયા)થી આગમન બાદ અટકાવવામાં આવ્યો હતો. અધિકારીઓને મુસાફરની હિલચાલ અસામાન્ય લાગતા તેણે ગ્રીન ચેનલ પાર કરી હોવા છતાં ફરી તેની તપાસ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું હતું કે, તેણે માદક દ્રવ્યો ધરાવતી કેપ્સ્યુલ પીધી હતી.
આરોપીને સફદરજંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેના પેટમાં રહેલો માલ કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે ઘણા દિવસો સુધી ચાલી હતી. મુસાફર પાસેથી કુલ ૭૧ કેપ્સ્યુલ્સ મળી આવી હતી. જેમાં, ૧,૦૪૧ ગ્રામ કોકેઈન મળી આવ્યું હતું.આ માદક દ્રવ્યોની બજાર કિંમત રૂ. ૧૫.૬૧ કરોડ છે.