અયોધ્યા: રામ મંદિરના ગર્ભ ગૃહમાં નવી મૂર્તિની સ્થાપના થશે, રામલલાની જૂની મૂર્તિનું શું થશે જાણો
Image Source: Twitter
લખનૌ, તા. 28 ડિસેમ્બર 2023 ગુરૂવાર
અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024એ થનારી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પોતાના અંતિમ તબક્કામાં છે. રામ લલાની બે મૂર્તિઓ છે, જેમાંથી એક મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે જોડાયેલા સૂત્રો અનુસાર બીજી મૂર્તિ જે હાલ નાના મંદિરમાં મૂકવામાં આવી છે, તેને પણ ગર્ભ ગૃહમાં જ નવી મૂર્તિની સાથે પ્રાણ પ્રતિષ્ઠિત કરવાનું આયોજન છે. નવી મૂર્તિને અચલ મૂર્તિ કહેવામાં આવશે, તેમજ જૂની મૂર્તિને ઉત્સવમૂર્તિના નામથી ઓળખવામાં આવશે.
ઉત્સવમૂર્તિને દેશના અલગ-અલગ સિદ્ધ મંદિરોમાં લઈ જવામાં આવશે, જે બાદ તેને પણ ગર્ભ ગૃહની અંદર અચલ મૂર્તિની નજીક સ્થાપિત કરી દેવામાં આવશે. રામ લલાની નવી મૂર્તિનું નિર્માણ કાર્ય 3 મૂર્તિકારો ગણેશ ભટ્ટ, અરુણ યોગીરાજ અને સત્યનારાયણ પાંડેને સોંપવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2024એ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થશે.
30 ડિસેમ્બરે કરશે અયોધ્યા એરપોર્ટ-રેલવે સ્ટેશનનું લોકાર્પણ
આ પહેલા પીએમ મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા આવી રહ્યા છે, જ્યાં તેઓ નવનિર્મિત અયોધ્યા ધામ રેલવે સ્ટેશન અને શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરશે. તેઓ એરપોર્ટ નજીક જ એક સાર્વજનિક જનસભાને પણ સંબોધશે. અયોધ્યાના કમિશનરે જણાવ્યુ કે વડાપ્રધાન મોદી અયોધ્યામાં એરપોર્ટથી લઈને રેલવે સ્ટેશન સુધી રોડ શો કાઢશે.
BJP 1 લી જાન્યુઆરીથી 'એક દીયા રામ મંદિર કે નામ' અભિયાન ચલાવશે
ભારતીય રેલવેએ રામ મંદિરના લોકાર્પણ બાદ પહેલા 100 દિવસ દરમિયાન અયોધ્યા આવનાર નાગરિકોની સુવિધા માટે દેશના જુદા-જુદા ભાગોમાંથી 1000થી વધુ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ દરમિયાન ભાજપે 1લી જાન્યુઆરીથી રામ મંદિર ઉત્સવ માટે એક અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે, જેમાં પાર્ટી કાર્યકર્તા દેશના તમામ ગામડાઓમાં ઘરે-ઘરે જશે અને 10 કરોડ પરિવારોને 'એક દીયા રામ મંદિર કે નામ' કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરશે.
પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ માટે વૈદિક અનુષ્ઠાન 16 જાન્યુઆરીથી થશે શરૂ
પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ માટે વૈદિક અનુષ્ઠાન મુખ્ય સમારોહથી એક અઠવાડિયા પહેલા 16 જાન્યુઆરીએ શરૂ થશે. પ્રતિષ્ઠા સમારોહમાં મુખ્ય અનુષ્ઠાન ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ અને લક્ષ્મી કાંત દીક્ષિત દ્વારા કરવામાં આવશે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ધ્યાનમાં રાખતા ભક્તોની ભારે ભીડ ઉમટવાની આશા છે. આ માટે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. સીઆઈએસએફ, યુપીએસએસએફ અને યુપી પોલીસની ત્રિસ્તરીય સુરક્ષા અયોધ્યામાં જોવા મળશે.