લક્ષદ્વિપ અંગે સરકારની વિસ્તૃત યોજના મિનિકૉયમાં નવું એરપોર્ટ બનાવાશે
- અરબી સમુદ્ર પર સતત નજર રાખવાનો હેતુ
- આ એરપોર્ટ કોમર્શિયલ અને એરફોર્સનાં વિમાનો માટે પણ ચઢાણ-ઉતરાણ કરવા સક્ષમ હશે : ત્યાં યુદ્ધ વિમાનો તૈનાત રખાશે
કારાવતી, નવીદિલ્હી : માલદીવ સાથે તડખડ થયા પછી ભારતે લક્ષદ્વિપ માટે વિસ્તૃત યોજના બનાવી છે. હવે મિનીકૉય દ્વિપ સમૂહ ઉપર નવું હવાઈક્ષેત્ર રચવાની તૈયારીઓ થઈ રહી છે. આ એરફીલ્ડ કોમર્શિયલ વિમાનો ઉપરાંત ફાઈટર જેટ્સ અને મિલિટરી એરક્રાફટસ પણ ઓપરેટ કરવા માટે સક્ષમ હશે. સેનાકીય દ્રષ્ટિએ પણ તેનું મહત્ત્વ ઘણું છે. તેથી અરબી સમુદ્ર ઉપર નજર રાખવી વધુ સરળ બનશે, તેમજ હિન્દ મહાસાગર ઉપર પણ નજર રાખવી સરળ બનશે.
લક્ષદ્વિપ સમૂહને એવી રીતે વિકસાવવામાં આવી રહ્યો છે કે, તેથી પર્યટકો ત્યાં વધુ આકર્ષાશે.
ભારતીય તટરક્ષક દળે જ સૌથી પહેલાં લક્ષદ્વિપ અને મિનિકૉય સમૂહને વિકસાવવાની યોજના રજૂ કરી હતી. વડાપ્રધાન મોદીની લક્ષદ્વિપની યાત્રા પછી સૌ કોઈનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થયું છે. તે માટે ઓન લાઈન સર્ચ કરનારાઓની પણ સંખ્યા વધી ગઈ છે.
મેઈક માય ટ્રિપ નામક ટૂર્સ એન્ડ ટ્રાવેલ એજન્સીએ જણાવ્યું હતું કે તેનાં પ્લેટફોર્મ ઉપર સર્ચ કરનારાઓની સંખ્યામાં ૩,૪૦૦ ટકાનો વધારો થયો છે. સાથે તે માટેના ખર્ચ અને કમિશન જો હોય તો તે વિષે પણ જાણકારી મેળવવા તેઓ પ્રયાસો કરી રહ્યાં છે.
આ રીતે ભારત એક તરફ અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગર ઉપર નજર રાખી રહેશે તો બીજી તરફ લક્ષદ્વીપને પર્યટન સ્થળ તરીકે પણ વિકસાવી તે કેન્દ્ર શાસિત પ્રદેશનાં અર્થતંત્રને પણ પુષ્ટિ આપશે.