રામ મંદિરનો રસપ્રદ કિસ્સો: અને એ દિવસે વિવાદાસ્પદ માળખા પર ભગવો ઝંડો લઈને એક વાનર બેસી ગયો...
અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામના બાળ સ્વરુપ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે
Ram Lala Pran Pratistha: આશરે 500 વર્ષની પ્રતિક્ષા બાદ આજે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી,આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ અને આનંદી બેન પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પૂર્ણ કરીને રામ મંદિરના નિર્માણ માટે અનેક કારસેવકોનું બલિદાન વ્યર્થ ન જવા દીધું. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે, રામ મંદિરના નિર્માણમાં એક વાનરે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
વાનર ભગવો ઝંડો લઈને વિવાદાસ્પદ માળખા ઉપર બેસી ગયો
જ્યારે 30મી ઓક્ટોબર 1990માં અયોધ્યામાં મોટી સંખ્યામાં કારસેવકો એકઠા થયા હતા. ત્યારે આ કારસેવકોને રોકવા માટે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા હતા. પરંતુ કડક સુરક્ષા હોવા છતાં કારસેવકોએ તમામ અવરોધ તોડીને વિવાદાસ્પદ માળખા ઉપર ઝંડો લગાવી દીધો હતો. જો કે, થોડી જ વારમાં સુરક્ષાકર્મીઓએ કારસેવકો પર કાબૂ મેળવી લીધો હતો અને તેમને હટાવી દીધા. પરંતુ આ દરમિયાન એક વાનર હાથમાં ભગવો ઝંડો લઈને વિવાદાસ્પદ માળખાના ગુંબજ પર બેસી ગયો હતો.
એક અહેવાલમાં વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહાસચિવ સ્વામી વિજ્ઞાનાનંદે રામ મંદિરનો રસપ્રદ કિસ્સો જણાવતા કહ્યું કે, 'અયોધ્યામાં ભેગા થયેલા કારસેવકો અને સુરક્ષાકર્મી વચ્ચેના સંઘર્ષ વચ્ચે કેટલાક સાધુઓએ બેરિકેડ તોડી નાખ્યા અને કારસેવકો વિવાદાસ્પદ માળખા તરફ આગળ વધ્યા. તેમાંથી કેટલાક લોકો વિવાદાસ્પદ માળખાના ગુંબજ પર ચઢવામાં સફળ રહ્યા હતા, આ કારસેવકોએ ગુંબજ પર ભગવા ઝંડા લગાવ્યા હતા. સુરક્ષાકર્મીઓએ કારસેવકો પર લાઠીચાર્જ અને ફાયરિંગ કર્યું હતું અને કારસેવકોએ પીછેહઠ કરવી પડી હતી. અધિકારીઓ ઈચ્છતા હતા કે ગુંબજ પરથી ભગવા ઝંડા હટાવવામાં આવે, પરંતુ આ દરમિયાન તેમને અનોખી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો.
સ્વામી વિજ્ઞાનાનંદે જણાવ્યું કે, 'સુરક્ષાકર્મીઓએ જોયું કે વિવાદાસ્પદ માળખાના ગુંબજ પર એક વાનર હાથમાં ભગવો ઝંડો લઈને બેઠો હતો. સુરક્ષાકર્મીઓએ વાનરને ભગવાન હનુમાનનો અવતાર માનીને પરેશાન ન કરવાનો નિર્ણય લીધો. વાનર ઘણાં કલાકો સુધી ઝંડો પકડીને ગુંબજ પર બેઠો રહ્યો હતો. રાત્રે જ્યારે વાનર તે જગ્યાએથી દૂર ગયો, ત્યારબાદ ગુંબજ પર ઝંડો નીચે ઉતારવામાં આવ્યો હતો.'