બોલીવુડનો એક એવો ગુમશુદા અભિનેતા, જેને ૨૦ વર્ષથી તેનો પરિવાર પણ શોધે છે.
અભિનેતાએ નાની મોટી ૧૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો
અચાનક જ ગ્લેમરર્સ બોલીવુડને છોડીને ગુમ થઇ ગયા હતા
નવી દિલ્હી,૬ સપ્ટેમ્બર,૨૦૨૪,શુક્રવાર
હિંદી ફિલ્મોની ૮૦ ના દસકની કહાનીઓમાં માણસ ખોવાઇ જાય અને વર્ષો પછી ભાળ મળે તેવું ફિલ્માંકન જોવા મળતું હતું પરંતુ બોલીવુડનો એક એવો અભિનેતા જેને સમગ્ર ઇન્ડસ્ટ્રીઝ, ચાહકો અને પરિવાર પણ શોધે છે તેમ છતાં ૨૦ વર્ષથી અત્તો પત્તો નથી. શિક્ષા,કર્જ,અને રાજતિલક જેવી ફિલ્મોમાં અભિનયના અજવાળા પાથરનારા ગુમશુદા અભિનેતાનું નામ રાજકિરણ છે. રાજકિરણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છોડયા પછી કયાં છે તેની પરિવારજનોને પણ ખબર નથી.
૨૦ વર્ષના વ્હાણા વહી ગયા પરંતુ અભિનેતાને કોઇ શોધી શકયું નથી. રાજકિરણના ગૂમ થવાના રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે દિવંગત અભિનેતા ઋષિકપૂરે પ્રયાસ કર્યો હતો પરંતુ હવે ઋષિ પણ આ દુનિયામાં રહયા નથી. પ્રાપ્ત માહિતી અનુસાર અભિનેતા સલમાનખાનની એકસ સ્ત્રી મિત્ર સોમીઅલી રાજકિરણને શોધવા પ્રયાસ કરી રહી છે. સોમીઅલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને ઋષિકપૂરના વચનને પુરુ કરવાની તૈયારી દર્શાવી છે.
સોમીએ ઋષિકપૂરને વચન આપેલું કે તે કોઇ પણ ભોગે રાજકિરણને શોધીને જ રહેશે.સોમીએ પોતાની માતા પાસેથી પૈસા ઉધાર લીધા એટલું જ નહી ખૂદના નાણા પણ ખર્ચ્યા છે. સોમીઅલીએ ઇન્સ્ટાગ્રામ પર રાજકિરણનો એક વીડિયો શેર કર્યો છે જેના કેપ્શનમાં લખ્યું છે કે મિત્રો મને જો આમની કોઇ નક્કર જાણકારી આપશે તેને આર્થિક ઇનામ આપવામાં આવશે. આ કોઇ ફ્રોડ કે સ્કેમ નથી. દિવંગત અભિનેતાને આપેલું વચન પાળવા માટે અભિનેતા રાજકિરણની તલાશ કરવાનું કયારેય બંધ કરીશ નહી.
ગુમશુદા અભિનેતા રાજકિરણનો પરિચય
બોલીવુડ અભિનેતા રાજ કિરણનો જન્મ ૫ ફેબુ્આરી ૧૯૪૯માં થયો હતો. સિંધી પરિવારમાં જન્મેલા અભિનેતાની સરનેમ મહેતાની હતી. બોલીવુડમાં કેટલીક ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય માટે ચાહકો આજે પણ યાદ કરે છે. મશહૂર ફિલ્મ નિર્માતા બીઆર ચોપરાની ફિલ્મ 'કાગજ કી નાવ'થી અભિનયની શરુઆત કરી હતી. ૯૦ ના દસકામાં તે નાની મોટી ૧૦૦ કરતા પણ વધુ ફિલ્મોમાં દેખાયા હતા. ત્યાર પછી અચાનક જ બોલિવુડની ગ્લેમરસ દુનિયાથી દૂર થઇ ગયા હતા. પહેલા એવું માનવામાં આવતું હતું કે તેઓ યુએસએમાં કોઇ અજ્ઞાાત જગ્યાએ એકાંતવાસમાં રહે છે. ત્યાર પછી દાવો ખોટો સાબીત થયો હતો.