લદાખમાં ચીન સરહદે મોટી દુર્ઘટના, ટેન્ક અભ્યાસ વચ્ચે નદીમાં વહી જતાં 5 જવાન શહીદ થયા
Ladakh Tank Accident News: કેન્દ્રશાસિત પ્રદેશ લદાખથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. સૈન્યના અધિકારીઓના જણાવ્યાનુસાર જવાનો લદાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ટેન્ક દ્વારા નદી પાર કરવાનો અભ્યાસ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જળસ્તર વધી જતાં ટેન્ક નદીમાં ડૂબી ગઈ હતી. આ ઘટનામાં પાંચ જવાન શહીદ થઇ ગયાના અહેવાલ છે. |
દેશ સૈનિકોના પરિવારો સાથે તેમના દુઃખની ઘડીમાં ઊભો છેઃ રાજનાથ સિંહ
આ ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 'X' પર લખ્યું કે, 'લદાખમાં નદી પાર કરતી વખતે એક દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં ભારતીય સૈન્યના પાંચ બહાદુર જવાનોના જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખ થયું છે. શોકની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. દેશ તેમની સાથે મજબૂતીથી ઊભો છે.'
ક્યાં બની આ ઘટના?
માહિતી અનુસાર ભારતીય સૈન્યના જવાનો સાથે આ દુર્ઘટના ચીન સાથે જોડાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં બની હતી. આ સ્થળ કારાકોમર રેન્જમાં આવેલું છે, જ્યાં ભારતીય સેનાનો બેઝ પણ છે. સૈન્ય અધિકારીઓએ કહ્યું છે કે લદાખમાં એલએસી નજીક અચાનક આવેલા પૂરથી સૈન્યના જવાનો નદીમાં વહી ગયા હતા. આ તમામ મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે. આ મૃતકોમાં એક જોઈન્ટ કમિશન્ડ ઓફિસર (જેસીઓ) સહિત કુલ ચાર જવાન સામેલ છે.
આ પણ વાંચો: બુલડોઝર, ઈમરજન્સી, NEET.. સોનિયા ગાંધીના PM મોદી પર સીધા પ્રહાર, કહ્યું- જનાદેશ તો સમજો
શું ચીનના સૈનિકો સાથે કોઈ અથડામણ થઇ?
સૈન્યની ટેન્ક નદીના એક ઊંડા ભાગમાંથી પસાર થઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. જો કે હજુ સુધી કોઈ અથડામણના અહેવાલો મળ્યાં નથી. માહિતી મુજબ એલએસી નજીક એક ટી-72 ટેન્ક દ્વારા નદી કેવી રીતે પાર કરવામાં આવે છે તેના પર અભ્યાસ ચાલી રહ્યો હતો અને તે સમયે જ કરુણાંતિકા સર્જાઈ હતી.