એક નાની ગડબડ એનડીએ સરકારને ગમે ત્યારે ધ્વસ્ત કરી શકે છે : રાહુલ
એનડીએના કેટલાક નેતા અમારા સંપર્કમાં : કોંગ્રેસ સાંસદનો મોટો દાવો
૧૦ વર્ષ સુધી જે અયોધ્યાની વાતો કરી ત્યાં જ ભાજપનો સફાયો થઇ ગયો, જનતાએ નફરતને જાકારો આપ્યો
નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રની એનડીએ સરકારને લઇને મોટો દાવો કર્યો છે. રાહુલે કહ્યું છે કે એક ગડબડ કેન્દ્રમાં એનડીએની સરકારનો અંત લાવી શકે છે. એનડીએને ટેકો આપનારો માત્ર એક જ પક્ષ સમર્થન ખેંચી લે તો પાસા બદલાઇ શકે છે. સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે એનડીએમાંથી લોકો મારા સંપર્કમાં છે. જોકે ક્યા પક્ષના નેતા તેમના સંપર્કમાં છે તે અંગે રાહુલે કોઇ સ્પષ્ટતા નહોતી કરી.
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી માટે વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભામાં જે સ્થિતિ હતી તે હાલ નથી જેને કારણે સત્તાધારી ગઠબંધને સંઘર્ષ કરવો પડશે. ભારતના રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે. મોદીનો વિચાર અને મોદીની છાપ ખતમ થઇ ગઇ છે. આ લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને એનડીએને ભારે ટક્કર આપી હતી અને ૨૩૩ બેઠકો જીતી લીધી છે. જ્યારે કોંગ્રેસને ૯૯ બેઠક મળી હતી. ભાજપને બહુમત ના મળતા સાથી પક્ષોની સાથે મળીને એનડીએ ગઠબંધનની સરકાર બનાવવામાં આવી, એનડીએને ૨૯૩ બેઠક મળી છે. જ્યારે ભાજપને ૨૪૦ બેઠક મળી છે. ભાજપને નિતિશ કુમારના જદ(યુ) અને ચંદ્રાબાબુ નાયડુના ટીડીપીનું સમર્થન છે. આ બન્ને નેતાઓ અગાઉ ભાજપ વિરોધી રહી ચુક્યા છે.
એવામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્રમાંથી ગમે ત્યારે સરકાર પડી શકે છે. આ ચૂંટણીમાં નફરત અને ગુસ્સો ફેલાવવાના વિચારને જનતાએ નકારી દીધો છે. ભાજપે ૧૦ વર્ષ સુધી જે અયોધ્યાની વાતો કરી ત્યાં જ તેનો સફાયો થઇ ગયો. મૂળ થયું છે એવુ કે ધાર્મિક નફરત ફેલાવવાનું ભાજપનુ મૂળ માળખુ જ ધ્વસ્ત થઇ ગયું છે. અયોધ્યા ફૈઝાબાદ બેઠકમાં આવે છે જ્યાં ભાજપના ઉમેદવાર લલ્લુસિંહ સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદ સામે ૫૪ હજાર મતોથી હાર્યા હતા. રાહુલે કહ્યું હતું કે વિપક્ષ માટે ન્યાયપાલિકા, મીડિયા અને તમામ ક્ષેત્રો બંધ કરાવી દેવામાં આવ્યા હતા. તેથી અમે વ્યક્તિગત રીતે લોકો વચ્ચે જવાનું નક્કી કર્યું હતું. ભારત જોડો યાત્રાને ધ્યાનમાં રાખીને રાહુલે આ ટિપ્પણી કરી હતી, તેમણે કહ્યું હતું કે આ પ્રયાસ ચૂંટણીમાં સફળ રહ્યો. રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ એમ બન્ને બેઠકો પરથી ચૂંટણી જીત્યા હતા, નિયમ મુજબ તેમણે એક બેઠક વાયનાડ ખાલી કરી દીધી હતી અને તેમના આ નિર્ણયનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. વાયનાડ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે અને કોંગ્રેસ પોતાના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધીનું નામ જાહેર કર્યું છે.