ઉત્તર ભારતમાં હીટવેવ તો પ.બંગાળમાં વાવાઝોડાએ ચૂંટણીપંચની ચિંતા વધારી, પારો કેટલો રહેશે જાણો

Updated: May 25th, 2024


Google NewsGoogle News
ઉત્તર ભારતમાં હીટવેવ તો પ.બંગાળમાં વાવાઝોડાએ ચૂંટણીપંચની ચિંતા વધારી, પારો કેટલો રહેશે જાણો 1 - image


Election and Weather news | દેશના અનેક ભાગોમાં હીટવેવના પગલે અગનવર્ષા થઈ રહી છે ત્યારે ચૂંટણી પંચે ચૂંટણી અધિકારીઓ અને રાજ્યના તંત્રને ગરમીની વિપરિત અસરો સામે પર્યાપ્ત પગલાં લેવા નિર્દેશ આપ્યા છે. દેશમાં ભયાનક ગરમીના કારણે અગાઉના પાંચ તબક્કાઓમાં મતદાન એકંદરે ઓછું થયું હોવાના અહેવાલો વચ્ચે મતદાનના સમયે હવામાને ચૂંટણી પંચની ચિંતા વધારી છે. 

છઠ્ઠા તબક્કામાં જે રાજ્યોમાં મતદાન થવાનું છે તેમાં હરિયાણા હાલ હીટવેવનો સામનો કરી રહ્યું છે અને આગામી પાંચ દિવસ સુધી તાપમાન 44થી 47 ડિગ્રી સુધી રહેવાની આશંકા છે. દિલ્હીમાં પણ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરી છે. ઉત્તર પ્રદેશમાં પણ મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. 

બીજીબાજુ વિધાનસભા અને લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે તે ઓડિશામાં તાપમાન 40થી 44 ડિગ્રી વચ્ચે રહી શકે છે.  ગરમીના આકરા પ્રકોપ વચ્ચે પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન રેમલના કારણે વરસાદથી મતદાન પર અસર થવાની આશંકા છે. 

બંગાળના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ અને આંધીના કારણે મતદારોની સમસ્યા વધી શકે છે. પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં શુક્રવારે પણ ભારે વરસાદ પડયો હતો. વિશેષરૂપે દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ અને તોફાને લોકોને મુશ્કેલીમાં મુક્યા હતા. બંગાળના દરિયા કિનારે ચક્રવાતી તોફાન રેમલ રવિવારે જમીન પર ટકરાશે, પરંતુ આ પહેલાં શનિવારથી રાજ્યમાં તેની અસરો જોવા મળશે, જે મતદાન પર અસર કરી શકે છે.


Google NewsGoogle News